મુખ્ય સમાચાર
News of Monday, 23rd April 2018

જાન્યુઆરીથી નવા વાહન ખરીદવા પર ટેમ્પરપ્રુફ હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટની સુવિધા મળશે

ડીલર મેન્યુફેક્ચરર્સ પાસેથી મળેલી આ પ્રકારની પ્લેટને રજિસ્ટ્રેશન માર્ક લગાવ્યાં બાદ વાહન વેચશે

નવી દિલ્હી:  હવે નવા વાહન ખરીદવા પર ટેંપર પ્રુફ હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) મળશે. આ રજિસ્ટ્રેશન પ્લેટ વિભિન્ન સુરક્ષા માપદંડોથી લેસ હશે. આ નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકાશે નહીં. કેન્દ્ર સરકાર હાઈ સિક્યોરિટી ફીચર્સથી લેસ નવા પ્રકારની નંબર પ્લેટ પહેલી જાન્યુઆરી 2019થી લાગુ કરવાની તૈયારીમાં છે.
   સરકારની આ નવી પહેલ એટલા માટે પણ મહત્વની મનાઈ રહી છે કારણ કે HSRPને અનિવાર્ય કર્યાના એક દાયકા થવા છતાં અનેક રાજ્યોએ તેને લાગુ કરી નથી. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે આ અંગે નોટિફિકેશન માટેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ મુજબ પહેલી જાન્યુઆરી 2019થી વાહન કંપનીઓ તમામ વાહનો સાથે હાઈ સિક્યોરિટીવાળી લાઈસન્સ નંબર પ્લેટ આપશે. ડીલર આ પ્લેટ પર રજિસ્ટ્રેશનનો માર્ક લગાવીને વાહનો પર લગાવશે.
   નોટિફિકેશનમાં કહેવાયું છે કે વાહન કંપનીઓના ડીલર મેન્યુફેક્ચરર્સ પાસેથી મળેલી આ પ્રકારની પ્લેટને રજિસ્ટ્રેશન માર્ક લગાવ્યાં બાદ જૂના વાહનો ઉપર પણ  લગાવી શકે છે. મંત્રાલયનું કહેવું છે કે તેઓ મોટર વાહનો પર HSRP લગાવવા સંબંધે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર 10 મે સુધીમાં સામાન્ય લોકો તથા ભાગીદારો સાથે ટિપ્પણીઓ માંગવામાં આવી છે.
આ અગાઉ એવા અહેવાલો હતાં કે સ્વદેશી વાહન કંપની ટાટા મોટર્સે ગત નાણાકીય વર્ષ દરમિયાન ઘરેલુ વાણિજ્ય બજારમાં 44 ટકા ભાગીદારી હાંસલ કરી છે. કંપની સ્થાનિક વાહન બજારમાં પોતાની ગુમાવેલી ભાગીદારી મેળવવા માટે કાયાપલટની યોજના પર કામ કરી રહી છે. વાહન મેન્યુફેક્ચરર્સના સંગઠન સિયામના આંકડા મુજબ ટાટા 2017-17માં ટાટા મોટર્સે 23.17 ટકા વધારા સાથે 3,76,456 કોમર્શિયલ વાહનો વેચ્યાં.

(12:00 am IST)