મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

લાંબા સમય સુધી કોરોનાથી સંક્રમિત રહેનાર દર્દીઓને સ્ટ્રોક અને છાતીમાં દુખાવાની તકલીફ

રિસર્ચ અનુસાર ૨૦ ટકા દર્દીઓને બે મહિના સુધી છાતીમાં દુખાવાની ફરિયાદ

ન્યૂયોર્ક તા. ૨૪ : કોરોનાના દુષ્પ્રભાવો જાણવા માટે અલગ અલગ પ્રકારના ૩૦ નિષ્ણાંતોએ કોરોના દર્દીઓ પર કરેલા અભ્યાસ પછી આ દાવો કર્યો છે. કોલંબીયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટનું વિશ્લેષણ કર્યું છે અને જણાવ્યું છે કે, છાતીમાં દુખાવાની સાથે કેટલાક દર્દીઓને ડાયાબીટીસની સાથે લોહીમાં ગઠ્ઠા જામવા સહિતની અન્ય તકલીફો જોવા મળી છે.

વૈજ્ઞાનિકોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે દર્દીઓમાં લાંબા સમય સુધી કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે તેમને પહેલાથી જ કોઇને કોઇ આરોગ્ય સંબંધી તકલીફો રહી છે. કોલંબીયા યુનિવર્સિટીની એલન વાઇવેનનું કહેવું છે કે કેટલાક યુવા દર્દીઓમાં જોવા મળ્યું છે કે સંક્રમણ પછી તેના હૃદયની ગતિ વધી ગઇ હતી.

નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના સંક્રમણ પછી સ્ટ્રોક, હૃદય ગતિ રોકાવાની સાથે હૃદયને મોટું નુકસાન થઇ શકે છે. કેટલાક દર્દીઓને અસહજતા અનુભવવાની સાથે નિર્ણય લેવાની ક્ષમતા અને ધ્યાન કેન્દ્રીત કરવામાં પણ તકલીફ ઉભી થઇ રહી છે, કેટલાક દર્દીઓને સંક્રમણ પછી અંગ સંબંધી તકલીફ પણ જોવા મળી રહી છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, પોસ્ટ કોવિડ લક્ષણો અને આરોગ્ય સંબંધી તકલીફોથી બચવા માટે નિયમિત ડોકટરી સલાહ જરૂરી છે. કોરોનાને માતા આપનાર લોકોએ આરોગ્ય પ્રત્યે વધારે સતર્ક રહેવું પડશે. હૃદય સંબંધી, પાચન સંબંધી, મગજ, ફેફસા અથવા શ્વાસ અંગેની કોઇ તકલીફ થાય તો મોડું કર્યા વગર ડોકટરની સલાહ લો અને ભાવિ જોખમથી બચો.

(12:48 pm IST)