મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

કાશ્મીર વિવાદ ભારત-પાક. વચ્ચે મંત્રણાથી ઉકેલી શકાશે

પાક. હાઈ કમિશનની ભારત-પાક. સબંધો પર ટિપ્પણ : કેટલાક દિવસથી પાક. ભારત સાથે ચર્ચાનો રાગ આલાપી રહ્યું છે, ઈમરાન ઘણી વખત શાંતીની વાત કરી ચૂક્યા છે

નવી દિલ્હી, તા. ૨૩ : પાકિસ્તાનના હાઈ કમિશને મંગળવારે ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને મહત્વની વાત કરી હતી. પાકિસ્તાન હાઈ કમિશનના આફતાબ હસન ખાને જણાવ્યું કે, તેમનો દેશ પોતાના પાડોશીઓ સાથે સારા સંબંધ રાખવા માંગે છે. પાકિસ્તાન ઉચ્ચાયોગના કાર્યકારી ચીફ આફતાબ હસન ખાને કહ્યું કે, જમ્મુ કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ફક્ત વાતચીત દ્વારા ઉકલી શકે છે.

પાકિસ્તાન પોતાના પાડોશીઓ સાથે સારા સંબંધ રાખવા ઈચ્છે છે. આ ફક્ત શાંતિ સાથે જ સંભવ થઈ શકશે અને તેના માટે પ્રબળ બનવું પડશે, મુદ્દાઓ વાતચીતના માધ્યમથી ઉકેલાવા જોઈએ, ખાસ કરીને ૭૦ વર્ષથી જમ્મુ કાશ્મીરનો મુદ્દો ચાલે છે તે.

એવું માનવામાં આવે છે કે, યુદ્ધના બદલે આપણે ગરીબી અને નિરક્ષરતાના અંત માટે કામ કરીએ. શાંતિ હશે ત્યારે જ તે સંભવ બનશે. માટે બંને દેશ વચ્ચેના વિવાદને શાંતિ સાથે વાતચીતના માધ્યમથી ઉકેલવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસથી ભારત સાથે વાતચીત કરવા કહી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ અનેક વખત ભારત સાથે શાંતિની વાત કરી ચુક્યા છે. ઉપરાંત પાકિસ્તાની આર્મીના ચીફ જનરલ કમર બાજવા પણ ભારતને સતત જૂની વાતો ભૂલવા કહી રહ્યા છે.

(12:00 am IST)