મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

હોળીના પર્વ નિમિત્તે ૧૦૦થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

રેલવેના મુસાફરો માટે સારા સમાચાર : ૫૪ ટ્રેન ઉત્તરીય વિસ્તારથી ચલાવાશે, તહેવારો માટેની ૧૦૦ ટ્રેન ૧૦ એપ્રિલ ૨૦૨૧ સુધી દોડાવવામાં આવશે

નવી દિલ્હી,તા.૨૩ : કોરોના મહામારી રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનમાં નિષ્ક્રિય રહ્યા બાદ ભારતીય રેલવે વિભાગ ફરી એક્ટિવ થઈ ચૂક્યું છે. આગામી હોળીના તહેવાર નિમિત્તે રેલવે વિભાગ ૧૦૦થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ ૫૪ ટ્રેન ઉત્તરી વિસ્તારમાંથી ચલાવાશે. તહેવારો માટેની સ્પેશિયલ ૧૦૦ ટ્રેન આગામી ૧૦ એપ્રિલ ૨૦૨૧ સુધી દોડાવવામાં આવશે. હોળીના તહેવારમાં ટ્રેનમાં ભીડનું પ્રમાણ વધુ હોય છે, પરિણામે કોરોના વાયરસ ફેલાઈ તેવો ખતરો રહેલો છે. જેથી રેલવે વિભાગે ભીડને ઓછી કરવા માટે વધારાની ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. રેલવે વિભાગ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન ન કરનાર લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. હોળીના તહેવાર નિમિત્તે દોડાવવાની થતી ટ્રેનમાંથી કેટલીક ટ્રેન તો અત્યારે દોડી જ રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે કેટલીક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની માંગ વધી હતી માટે આ ટ્રેનને બંધ કરવામાં આવી નથી. ઉત્તર રેલવે દ્વારા અત્યારે એવી ૩૬ ટ્રેન દોડી રહી છે, જે દિવાળીના તહેવારો માટે શરૂ કરાઇ હતી. સામાન્ય ટ્રેનની સરખામણીએ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોને ત્રીસ ટકા વધુ ભાડું ચૂકવવું પડે છે. આ નિયમ વર્ષ ૨૦૧૫થી અમલમાં મુકાયો હતો. જે મુજબ સ્પેશિયલ ટ્રેનમાં સાધારણ ટ્રેનની સરખામણીએ ત્રીસ ટકા વધુ ભાડું ચૂકવવાનું હોય છે. કોરોના મહામારીમાં થંભી ગયા બાદ રેલવે વિભાગ આગામી ૧૦ એપ્રિલ સુધીમાં તમામ ટ્રેનને ફરીથી દોડાવવા તૈયારી કરી રહ્યું છે. જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. અલબત્ત, અત્યારે તો તમામ ટ્રેન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દોડશે. મુસાફરોને ટ્રેનમાં પ્રવાસ માટે કોરોના વાયરસને રોકવા બનાવાયેલા તમામ નિયમોનું પાલન કરવું પડશે. વર્તમાન સમયે રેલવેની લગભગ ૧૧૦૦ મેલ એક્સપ્રેસ ટ્રેનને સ્પેશિયલ ટ્રેન તરીકે દોડાવવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ ડિવિઝનના ધાંગધ્રા- સામખીયાળી ક્ષેત્રમાં નોન ઇન્ટેરલોકીંગ કાર્ય ચાલતું હોવાથી પશ્ચિમ રેલવેમાથી જનાર અને આવનાર લાંબા અંતરની ટ્રેન ડાયવર્ટ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

(12:00 am IST)