મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

તિહારમાંથી જામીન-પેરોલ પરના ૨૦૦૦ કેદી ફરાર

કોરોનાની આડમાં કેદીઓ જેલ બહાર મોજમાં : કોરોના શરૂ થયા બાદ જેલમાં બંધ સાત હજાર કેદીઓને ઇમરજન્સી પેરોલ અને જામીન ઉપર મુક્ત કરાયા હતા

નવી દિલ્હી, તા. ૨૩ : કોરોનાથી બચાવવા માટે જામીન- પેરોલ પર મુક્ત કરેલા કેદીઓમાંથી હજી સુધી ૨૦૦૦ કેદીઓ જેલમાં પાછા આવ્યા નથી. તે લોકો ભાગી ગયા છે કે શું? તેની તપાસ કરવા માટે તિહાર જેલ પ્રશાસને જેલમાં પાછા ન ફરતા તમામ કેદીઓની વિગતો દિલ્હી પોલીસ સાથે શેર કરી છે. તેમની માહિતી દિલ્હી પોલીસ હેડક્વાર્ટરને મોકલવામાં આવી છે. જ્યાંથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમને શોધવાનું કામ શરૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં દિલ્હી પોલીસ માટે ભાગેડુ કેદીઓને શોધવાનું કામ પણ મોટું થવાનું છે.

તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોના શરૂ થયા બાદ સંબંધિત અદાલતોથી જેલમાં બંધ ૧૮,૦૦૦થી વધુ કેદીઓમાંથી સાત હજારને ઇમરજન્સી પેરોલ અને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી જેલમાં કોરોના ફેલાય તો પરિસ્થિતિ ગંભીર નહીં થાય અને કેરોના વાયરસથી ઝપેટમાં આવે તે પહેલાં કેદીઓને સમયસર બચાવી શકાય. હવે જ્યારે સંબંધિત અદાલતોએ આ કેદીઓની ઇમરજન્સી પેરોલ-બેલ આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે, અને સંબંધિત તારીખો મુજબ જેલમાં સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. આવા ઘણા કેદીઓ છે જેઓ જેલમાં પાછા આવી રહ્યા નથી.

જેલના સૂત્રો કહે છે કે ૧૧૮૪ દોષિતોમાંથી ૧૧૨ આવા છે જેઓ પાછા જેલમાં આવ્યા નથી. આ સિવાય અન્ડર-ટ્રાયલ કેદીઓમાંથી સાડા પાંચ હજારથી વધુ કેદીઓ પૈકી ૩૦૦૦ જેટલા કેદીઓએ જેલ પાછા આવવાનું હતું પરંતુ આમાંના મોટાભાગના કેદીઓએ સરેન્ડર કર્યું નથી. એવા અહેવાલ મળ્યા છે કે આમાંથી બે હજારથી વધુ કેદીઓ આ પ્રકારના છે જેઓ જેલમાં પાછા ફર્યા નથી. સૂત્રો આની પાછળ ઘણા કારણો આપી રહ્યા છે.આમાં પહેલી વાત એ છે કે આમાંથી કેટલાક કેદીઓ છટકી ગયા છે. થોડા સમય સુધી રાહ જોયા બાદ તેમને સંબંધિત કોર્ટમાંથી ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સિવાય કેટલાક કેદીઓ એવા પણ હોઈ શકે છે જેમને સરેન્ડર કરવા અંગેનો મેસેજ ના મળ્યો હોય. પરંતુ જેલ વહીવટી તંત્રનું કહેવું છે કે જો કોઈ કેદીને સરેન્ડરનો મેસેજ ન મળે તો તે સારી રીતે જાણે છે કે તેનો જામીનનો સમય પૂરો થયો છે. આવી સ્થિતિમાં જેલમાં પાછા ન આવતા તમામ કેદીઓએ જેલને આ વિશે જાણ કરવી આવશ્યક છે, જે તેઓ કરી રહ્યા નથી.

(12:00 am IST)