મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

પૌત્રીને ભણાવવા રીક્ષામાં રહેતા શખ્સને ૨૪ લાખની સહાય કરી

ઓટો ડ્રાઈવર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા : બે દાયકાથી રીક્ષામાં રહેતા દેશરાજની દાસ્તાન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દેશરાજને ૨૪ લાખ મળી ગયા

મુંબઈ, તા. ૨૪ :  મુંબઈમાં રહેતા ૭૪ વર્ષના ઓટો ડ્રાઈવર દેશરાજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.

દેશરાજે કહ્યુ હતુ કે, મેં મારી પૌત્રીને ભણાવવા માટે મારુ ઘર પણ વેચી દીધુ છે અને છેલ્લા બે દાયકાથી હું ઓટો રીક્ષામાં જ ઘર બનાવીને રહી રહ્યો છું.તેમની આ કથની સાંભળીને લોકો ઈમોશનલ બની ગયા હતા.

હવે લોકોએ તેમને અત્યાર સુધીમાં ૨૪ લાખ રુપિયા ડોનેટ કરી ચુક્યા છે.આમ તો સોશિયલ મીડિયા યુઝર્સે ૨૦ લાખનુ ટાર્ગેટ રાખ્યુ હતુ પણ તે આંકડો ક્રોસ થઈ ગયો છે અને તાજેતરમાં જ તેમને ૨૪ લાખ રુપિયાનો ચેક આપવામાં આવ્યો છે.હ્યુમન્સ ઓફ બોમ્બે પેજ પર તેમની આ દાસ્તાન વાયરલ થઈ હતી અને આ પેજ પર જ દેશરાજને ૨૪ લાખ રુપિયાનો ચેક સાથે જોઈ શકાય છે.

સાથે સાથે તેના પર લખવામાં આવ્યુ છે કે, દેશરાજજીને લોકોના પ્રયાસોના કારણે એક છત મળી છે અને હવે તેમાં તે તેમની પૌત્રીને રાખીને ભણાવી શકશે અને શિક્ષક બનાવી શકશે.

ઉલ્લેખનીય છેકે, દેશરાજના બે પુત્રો કેટલાક વર્ષોના સમયગાળામાં મૃત્યુ પામ્યા હતા અને  એ પછી ઘરના સાત લોકોની જવાબદારી તેમના પર આવી ગઈ હતી.પત્ની બીમાર પડતા તેમની આર્થિક હાલત વધારે ખરાબ થઈ હતી.દેશરાજે મુંબઈમાં ઓટો રીક્ષા લીધી હતી અને તેઓ આખો દિવસ ઓટો ચલાવતા હતા અને ઓટોમાં જ રહેતા હતા.આવી કપરી સ્થિતિમાં પણ તેમણે પોતાની પૌત્રીઓને ભણાવવાનુ છોડ્યુ નહોતુ.

(7:19 pm IST)