મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રેમજી સામે એક જ હેતુ સાથે ઉપરાઉપરી પિટિશન દાખલ કરવાથી કર્ણાટક હાઈકોર્ટ ખફા : કોર્ટનો કિંમતી સમય બગાડવા બદલ ફરિયાદી કંપનીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કર્ણાટક : વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રેમજી સામે એક જ હેતુ સાથે ઉપરાઉપરી પિટિશન દાખલ કરી કોર્ટનો કિંમતી સમય બગાડવા બદલ  નોનપ્રોફિટ સંસ્થા ઇન્ડિયા અવેકને કર્ણાટક કોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો .
 
વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રેમજી અને અન્ય લોકો સામે સંસ્થાએ કેસ નોંધવાની માંગ કરી હતી. જે મુજબ અઝીમ પ્રેમજી સંચાલિત કંપનીઓમાં આર્થિક અનિયમિતતાના આક્ષેપો કર્યા હતા.તથા તે અંગે ગુનાહિત કાર્યવાહીની માંગણી કરી હતી.

આ તમામ રિટ અરજીઓનો મુખ્ય મુદ્દો એક અને સમાન છે .પરિણામે, આ રિટ પિટિશન કાયદાની પ્રક્રિયાના સંપૂર્ણ દુરુપયોગ છે. જોકે પિટિશનરને આ અંગે અગાઉથી જાણ પણ કરવામાં આવી હતી તેમછતાં તેમણે પીટીશન કરવાનું પસંદ કર્યું હતું . જેથી આવા નકામા કેસોના ભરાવાના કારણે  કોર્ટનો કિંમતી સમય વેડફાય  છે. તેથી, શિક્ષાત્મક ખર્ચ લાદવો જરૂરી છે, તેવું નામદાર જજે કહ્યું હતું.

ઘણી અરજીઓ રદ કરાઈ હોવા છતાં અરજદારે આ જ આક્ષેપો સાથે નવી તાકીદે રિટ અરજી દાખલ કરી હતી, એમ બેંચે અવલોકન કર્યું હતું.

હાશમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ કંપની (અઝીમ પ્રેમજી ટ્રસ્ટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) વતી  હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસ ગણેશ અને સીવી નાગેશે અરજીની જાળવણી અંગે પ્રાથમિક વાંધો ઉઠાવ્યો હતો. તથા એવી દલીલ કરી હતી કે આ અગાઉ નામદાર કોર્ટે બે પિટિશન ફગાવી હોવા છતાં તેનું પુનરાવર્તન થઇ રહ્યું છે.

તેથી, બેંચે પિટિશનરને  10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની ચુકવણી ચાર અઠવાડિયામાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કરવાની રહેશે.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:58 pm IST)