મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

કોંગ્રેસના જયરામ રમેશે દાદ માંગીઃ મોદી સરકાર RTI કાયદાની પવિત્રતાને નજર અંદાજ કરી રહી છે

આરટીઆઇ કાયદામાં કેન્દ્ર સરકાર કરેલા ફેરફારને સુપ્રિમ કોર્ટમાં પડકાર : ૧ વર્ષની નોટિસ અપાયા છતા સરકારે જવાબ આપવાની પણ દરકાર નહિ કરતા સર્વોચ્ય અદાલત ભારે નારાજ

નવી દિલ્હી તા. ર૪ : સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટ ર૦૦પમાં ફેરફારને પડકારતી અરજીના અનુસંધાને કોઇ જવાબ ન આપતા સુપ્રિમ કોર્ટ નારાજ થઇ છે. ર૦૧૯માં કેન્દ્ર સરકારે એક નિયમ બનાવ્યો હતો જેને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અંગે તેને જવાબ આપવા માટે નોટીસ ફટકારાઇ હતી પણ તેનો કોઇ પ્રત્યુત્તર એક વર્ષ સુધીના આવતા સુપ્રિમ રોષે ભરાઇ છે.

'એ વાતને એક વર્ષ વીતી ગયું છે તમે હજુ સુધી તેનો જવાબ ફાઇલ કર્યો નથી ?' તેમ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશ આ સુનાવણીમાં આવ્યા હતા અને કેન્દ્ર સરકારના વકીલે વધુ બે સપ્તાહનો સમય માંગ્યો હતો. બેન્ચમાં અન્ય જજમાં જસ્ટિસ એમ.આર.શાહ પણ છે તેમણે સરકારને યાદ કરાવીને કહ્યું હતું કે, આ નોટીસ છેક જાન્યુઆરી ર૦ર૦માં ઇસ્યુ કરવામાં આવી હતી. જસ્ટિસ શાહે આશ્ચર્ય વ્યકત કરતાં કહ્યું હતું કે, સરકાર શા માટે કોઇ રિપ્લાય કરતી નથી. આ મહત્વની મેટર છે. એમ તેમણે કહ્યું હતું. આ ઘટનાક્રમ પછી તરત જયરામ રમેશે ટ્વીટર પર લખ્યું હતું મોદી સરકાર આરટીઆઇ કાયદાની પવિત્રતાને ર૦૧૯ ના સુધારા સાથે નજર અંદાજ કરી રહી છેમેં જયારે સરકારને આ અંગે પડકાર ફેંકયો ત્યારે તેનો જવાબ આપવામાં સરકાર નિષ્ફળ રહી હતી. એક વર્ષ સુધી તેણે કોઇ જવાબ આપ્યો નહોતો. મને આશા છે કે, સરકાર આ મેટરને ગંભરીતાથી લેશે. સુપ્રિમ કોર્ટે આ અંગે કેન્દ્રને વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે.

(12:42 pm IST)