મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

નગરો - પંચાયતોમાં ભાજપને ફાયદો પણ 'વન વે' નહિ

શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના રાજકીય સમીકરણો અલગ છે : રવિવારે મતદાન : ૩ કરોડ મતદારો : ૬ મ્યુ. કોર્પોરેશનોના પરિણામોથી ભાજપમાં પ્રચંડ ઉત્સાહ : ૨૦૧૫માં છ મહાનગરોમાં ભાજપને બહુમતી મળેલી પણ મોટાભાગની તાલુકા - જિલ્લા પંચાયતો કોંગ્રેસને મળેલ

રાજકોટ તા. ૨૪ : ગઇકાલે રાજ્યની ૬ મહાનગરપાલિકાઓનું પરિણામ જાહેર થઇ ગયું. તમામ મહાનગરોમાં ભાજપના શાસનનું પુનરાવર્તન થયું છે. હવે તા. ૨૮મીએ ૮૧ નગરપાલિકાઓ ૨૩૧ તાલુકા પંાયતો અને ૩૧ જિલ્લા પંચાયતો માટે મતદાન છે. જેમાં ૩ કરોડ જેટલા મતદારો છે. ૬ કોર્પોરેશનોમાં પ્રચંડ વિજય પછી ભાજપમાં ઉત્સાહ છે પણ તેના જેવું જ પુનરાવર્તન નગરો - પંચાયતોમાં થવાની કોઇ ખાતરી નથી. પંચાયત ક્ષેત્રે ભાજપ - કોંગી - આપ વગેરે મેદાને છે.

૨૦૧૫ની ચૂંટણી કરતા અત્યારે અલગ પરિસ્થિતિ છે. કોઇ આંદોલનની અસર નથી. તે વખતે ૬ કોર્પોરેશનોમાં ભાજપને જીત મળેલી પણ ૨૩ જિલ્લા પંચાયતો અને ૧૪૬ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે શાસન સ્થાપ્યું હતું. શહેરો અને ગામડાઓમાં પ્રચારના અમૂક મુદ્દા સમાન હોય છે અને અમૂક જુદા હોય છે.

૬ મહાનગરોના પરિણામની અસર નગરો અને ગ્રામીણ ક્ષેત્રમાં આવે તે સ્વભાવિક છે. રાજકીય સમીક્ષકોનું કહેવું છે કે ૨૦૧૫ કરતા આ વખતે ભાજપને ગ્રામીણ ક્ષેત્રે ફાયદો છે પણ ભાજપ માટે કોર્પોરેશનોની જેમ વન-વે ચાલે તેવું માનવાનું કોઇ કારણ હાલ જણાતું નથી. ભૌગોલિક, સામાજિક સમીકરણો, ઉમેદવારની પ્રતિમા વગેરે મુદ્દા અસર કરતા હોય છે. કોંગ્રેસ માટે 'કળ' વળે તેવું પરિણામ લાવવાની તક છે.

(11:13 am IST)