મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

૩ રાજ્યોમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો

સતત નવમાં દિવસે કોરોનાના કેસમાં ઉછાળો : નવા સ્ટ્રેનનું મોટા પાયે ટ્રેકીંગ

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં એકવાર ફરી કોરોનાએ ચિંતા વધારી છે. આ સાથે દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન પણ મળ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે જાણકારી આપી છે કે ૩ રાજયો મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાનામાં કોરોના વાયરસના ૨ નવા સ્ટ્રેન મળી આવ્યા છે. જો કે સરકારનું કહેવું છે કે હજું સુધી તેના પાક્કા પુરાવા મળ્યા નથી તે આ બે નવા સ્ટ્રેનના કારણે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ પહેલા દેશમાં બ્રિટન, દક્ષિણ આફ્રીકન અને બ્રાજીલિયાઈ કોરોના સ્ટ્રેનની પુષ્ટિ થઈ ચૂકી છે.

નીતિ આયોગના સભ્યો ડો. વીકે પોલે જાણકારી આપી હતી કે ઈન્ડિયન સાર્સ સીઓવી-૨ જીનોમિક કંસોર્ટિયાએ કોરોના વાયરસના ૨ નવા રૂપ એન ૪૪૦ કે અને ઈ ૪૮૪ની ઓળખ કરી છે. તેમણે કહ્યું કે અમે હજુ પણ કોરોનામાં ફેરફારની આશંકાને જોતા તેના પર નજર રાખી રહ્યા છીએ. કોરોના વાયરસના ૨ નવા રૂપ એન૪૪૦કે અને ઈ ૪૮૪કે મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. ઈ૪૮૪કે વેરિએન્ટ કેરળ અને તેલંગાણામાં જોવા મળ્યા છે.

ડો. વીકે પોલનું કહેવું છે કે INSACOG કોરોના વાયરસના નવા સ્ટ્રેનની મોટા સ્તર પર ટ્રેકિંગ કરી રહ્યું છે. આ પ્રયાસ ઝડપથી ચાલી રહ્યો છે. અમે ૩૫૦૦ નમૂના પર શોધ કરી છે. અમે આ પ્રક્રિયાના માધ્યમથી ૧૮૭ વ્યકિતઓમાં યૂકે સ્ટ્રેનની શોધ કરી છે. ૬ લોકોમાં અમે દક્ષિણ આફ્રીકન સ્ટ્રેનને શોધ્યો છે. એક કેસમાં અમે બ્રાઝિલના વેરિએન્ટને શોધ્યો છે.

જો કે પોલે આ દરમિયાન એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના નવા મામલામાં આવેલા ઉછાળા માટે નવા સ્ટ્રેનને જવાબદાર ન ઠરાવી શકાય. તેમણે કહ્યું કે અમારી પાસે ઉપલબ્ધ જાણકારીના આધાર પર હાજર સમયમાં અમારી પાસે કોરોનાના ૫ વેરિએન્ટ હાજર છે.

પરંતુ વૈજ્ઞાનિક પ્રમાણોના આધાર પર એવા પુરાવા સામે નથી આવ્યા કે મહારાષ્ટ્ર અને કેરળના કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલી તેજી માટે આ જવાબદાર છે. અમે આના મ્યૂટેશન પર નજર રાખી રહ્યા છીએ.

(10:52 am IST)