મુખ્ય સમાચાર
News of Monday, 24th February 2020

પૂર્વીય દિલ્હીમાં વ્યાપક હિંસા ભડકી : કલમ ૧૪૪ અમલી

૧૦થી વધુ જગ્યા પર આગ, તોડફોડ, પથ્થરમારો : જાફરાબાદમાં હિંસામાં હેડકોન્સ્ટેબલનું કરૂણ મોત : સ્થિતિ વણસી જતાં મજબૂત સલામતી : હિંસક તત્વો કાબૂ બહાર

નવી દિલ્હી, તા.૨૪ : નાગરિકતા સુધારા કાનૂનના વિરોધમાં જારી હિંસા આજે ફરી ગંભીર સ્વરુપમાં ફેરવાઈ જતાં તોફાનો ફાટી નિકળ્યા હતા. દિલ્હીના જુદા જુદા ભાગોમાં જારી હિંસાના ભાગરુપે આજે ભડકેલી હિંસામાં દિલ્હી પોલીસના એક હેડકોન્સ્ટેબલની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે તોફાની તત્વોના હુમલામાં એક ડીસીપીને ઇજા થઇ હતી. પથ્થરબાજીમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આજે એકાએક હિંસા ભડકી ઉઠી હતી. ઘાયલ થયેલા ડીસીપીનું નામ અમિત શર્મા હોવાનું જાણવા મળ્યું છે. તેમનું પોસ્ટિંગ શાહદરામાં કરવામાં આવ્યું હતું. બીજી બાજુ ગોળીબારમાં રતનલાલ નામના હેડકોન્સ્ટેબલનું મોત થયું હતું. હેડકોન્સ્ટેબલ રતનલાલ સહાયક પોલીસ કમિશનરની હેડક્વાર્ટર સાથે જોડાયેલા હતા.

         જાફરાબાદમાં પણ મોટી સંખ્યામાં હિંસા પર ઉતરેલા શખ્સો એકત્રિત થયા હતા. દેખાવકારોએ મોજપુરમાં બે મકાનને આગ ચાંપી દીધી હતી. હેડકોન્સ્ટેબલના મોતના મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, હેડ કોન્સ્ટેબલનું મોત ખુબ જ દુખદ છે. હિંસાના માર્ગને છોડી દેવાની અપીલ કરી હતી. તોફાની ટોળાને અલગ પાડવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. જાફરાબાદમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. જાફરાબાદમાં સ્થિતિ ખુબ જ વિસ્ફોટક બન્યા બાદ કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. દિલ્હીમાં ભારે હિંસાનો દોર આજે જારી રહ્યો હતો. પથ્થરબાજી ઉપરાંત પોલીસની સામે આઠ ગોળીઓ છોડવામાં આવી હતી. નોર્થઇસ્ટ દિલ્હીમાં રવિવારના દિવસે શરૂ થયેલી હિંસાનો દોર આજે પણ જારી રહ્યો હતો. ભજનપુરામાં આગની ઘટનાઓ બની હતી. સિલમપુરમાં ગોળીબારની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ અર્ધલશ્કરી દળના જવાનો પણ હવે તૈનાત કરવામાં આવ્યા છે.

        દિલ્હીમાં સ્થિતિ ખરાબ થયા બાદ સાવચેતીના તમામ પગલા લેવાયા હતા. ઉત્તરપૂર્વીય દિલ્હીના મોજપુર વિસ્તારમાં દેખાવકારોએ પથ્થરબાજી કરી હતી ત્યારબાગ ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. અફવાઓનો દોર પણ શરૂ થયો હતો. લોકોએ પોલીસની ભૂમિકાને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. બે મેટ્રો સ્ટેશનને બંધ કરવાની ફરજ પડી હતી. ગોકુલપુરીમાં એકનું મોત થયું હતું. જાફરાબાદ, મોજપુર, સિલમપુર, ચાંદબાગ, શાહીનબાગમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ઓછામાં ઓછા ૧૦ વિસ્તારોમાં હિંસા થઇ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કાનૂન અને  વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે કેજરીવાલે અપીલ કરી છે. દિલ્હી મેટ્રોએ જાફરાબાદ, મોજપુર, બાબરપુર, ગોકુલપુરી, જોહરી એન્કલેવ, શિવવિહાર સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝિટ ગેટોને બંધ કરી દીધા છે.

વ્યાપક હિંસાનો દોર....

*       સીએએના વિરોધમાં દિલ્હીમાં વ્યાપક વિરોધ પ્રદર્શન

*       પૂર્વીય દિલ્હીમાં ૧૦થી વધુ જગ્યાઓએ હિંસા બાદ કલમ ૧૪૪ અમલી કરાઈ

*       કાનૂન અને વ્યવસ્થા વણસી જતા કેજરીવાલ સક્રિય

*       મોજપુર, કરદમપુરી, ચાંદબાગ, દયાલપુર, સિલમપુર, શાહીનબાગ, જાફરાબાદમાં વ્યાપક હિંસા

*       જાફરાબાદમાં હિંસામાં હેડકોન્સ્ટેબલનું ગોળીબારમાં મોત

*       સહાદરામાં ફરજ બજાવી રહેલા હેડકોન્સ્ટેબલના મોતથી સનસનાટી ફેલાઈ

*       હેડકોન્સ્ટેબલની ઓળખ રતનલાલ તરીકે થઇ

*       ટીયર ગેસના સેલ છોડવા, પોલીસ ગોળીબાર કરવાની ફરજ

(9:20 pm IST)