મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રવાસ વેળા સૌરવ ગાંગુલીને મળે તેવી શક્યતા

૩૦ જાન્યુઆરીએ શાહ બંગાળની મુલાકાત લેશે : સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં હતા ત્યારે અમિત શાહે તેની પત્ની ડોનાને ફોન કરીને દાદાના હાલચાલ પૂછ્યા હતા

કોલકત્તા, તા. ૨૪ : કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ૩૦ જાન્યુઆરીએ પોતાના બંગાળ પ્રવાસ દરમિયાન બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ઘરે જઈને મુલાકાત કરી શકે છે. તેને લઈને રાજકીય વર્તુળોમાં ફરી સૌરવ ગાંગુલીની રાજનીતિમાં આવવાની અટકળો તેજ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા સૌરવને હાર્ટ એટેક આપ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જયાં તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ દાદા પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. આગામી થોડા દિવસમાં તેમની બીજીવાર એન્જિયોપ્લાસ્ટી થવાની છે. સૌરવ ગાંગુલી જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે અમિત શાહે તેની પત્ની ડોના ગાંગુલીને ફોન કરી દાદાના હાલચાલ જાણ્યા હતા. હવે અમિત શાહ બંગાળના પ્રવાસ દરમિયાન ગાંગુલીના ઘરે જઈ મુલાકાત કરી શકે છે.  તેને રાજકીય દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે. તેની પાછળ કારણ પણ છે.

બંગાળ ભાજપ સૌરવને પાર્ટીમાં સામેલ કરવા માટે છેલ્લા ઘણા દિવસથી પ્રયાસ કરી રહી છે. સૌરવને હાર્ટ એટેક આવ્યા બાદ આ પ્રયાસ પર વિરામ લાગી ગયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંગુલીના ઠઘરે જવાના સમાચારો બાદ આ અટકળો ફરી શરૂ થઈ ગઈ છે. બંગાળમાં ભાજપ ગાંગુલીને સીધી રીતે મુખ્યમંત્રી બેનર્જી વિરુદ્ધ ઉભા કરવા ઈચ્છે છે પરંતુ ગાંગુલી કહી ચુક્યા છે કે તેમની રાજનીતિમાં આવવાની યોજના નથી.

સૌરવના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અમિત શાહ બંન્ને સાથે સારા સંબંધ છે. અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સચિવ છે અને સૌરવ હોસ્પિટલમાં દાખત હતા તો તે જોવા માટે કોલકત્તા પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે મતુઆ સમુદાયના મતદાતાને ભાજપમાં સામેલ કરવા માટે અમિત શાહ ત્યાં જશે અને સંબોધન કરશે.

(10:11 pm IST)