મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક ૨ લાખની અંદર

૨૪ કલાકમાં વધુ ૧૪,૮૪૯ નવા કેસ નોંધાયા : ભારતમાં ઝડપથી કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે જેના કારણે એક્ટિવ કેસનો આંકડો નીચો આવી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૨૪  :ભારતમાં શનિવારે પણ કોરોના વાયરસના કેસનો આંકડો ૧૫,૦૦૦ની અંદર નોંધાયો છે. આ સાથે મૃત્યુઆંક ૨૦૦ની અંદર નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા ૨૦ હજારની અંદર નોંધાઈ રહી છે તો બીજી તરફ એક્ટિવ કેસનો આંકડો પણ ૨ લાખની અંદર રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી એક્ટિવ કેસની સંખ્યા નાની થઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૧૪,૮૪૯ નવા કેસ નોંધાયા છે જેની સાથે કુલ કેસનો આંકડો ૧,૦૬,૫૪,૫૩૩ પર પહોંચી ગયો છે. જેની સામે સાજા થયેલા દર્દીઓનો આંકડો ૧,૦૩,૧૬,૭૮૬ પર પહોંચી ગયો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં અપડેટ થયેલા કોરોના વાયરસના આંકડા પ્રમાણે એક દિવસમાં નોંધાયેલા વધુ ૧૫૫ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૩,૩૩૯ પર પહોંચી ગયો છે.

કોરોના વાયરસને હરાવનારા કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧,૦૩,૧૬,૭૮૬ થાય છે, એટલે કુલ કેસની સામે સાજા થયેલા દર્દીઓની ટકાવારી ૯૬.૮૩% થાય છે, અને કુલ મૃત્યુઆંકની ટકાવારી ૧.૪૪% થાય છે.

સતત ૫ દિવસથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૨ લાખની અંદર છે. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો ૧,૮૪,૪૦૮ જે કુલ કેસના ૧.૭૩% થાય છે. ભારતમાં ૭ ઓગસ્ટે કોરોના વાયરસના ૨૦ લાખ કેસ થયા હતા, જે પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ કેસ થયા હતા. જ્યારે ૬૦ લાખ કેસ ૨૮ સપ્ટેમ્બરે પહોંચ્યા હતા આ પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે ૧ કરોડ કેસ થઈ ગયા હતા. આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ ૧૯,૧૭,૬૬,૮૭૧ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી શનિવારે ૭,૮૧,૭૫૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(7:57 pm IST)