મુખ્ય સમાચાર
News of Friday, 24th January 2020

બજેટમાં ગ્રામીણ ક્ષેત્ર ઉપર ધ્યાન : માંગને ઝડપી કરાશે

ગ્રામ્ય ક્ષેત્રોમાં ચાલતી સ્કીમોમાં તેજી લવાશે : ગ્રામ્ય ક્ષેત્રોમાં વધારે સ્કીમ ચલાવવા માટેની પણ યોજના રેકોર્ડના ડિજિટાઇઝેશનમાં તેજી : રિયાલિટીને બુસ્ટ કરાશે

નવીદિલ્હી, તા. ૨૪ : માંગ અને મૂડીરોકાણ ઘટી ગયા બાદ જીડીપી વિકાસદર ૧૧ વર્ષની નીચી સપાટીએ પહોંચવાનો અંદાજ દેખાઈ રહ્યો છે. આર્થિક પડકારોની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. આમા થનાર પગલાને લઇને આર્થિક ગતિવિધિ ઉપર સીધી અસર થશે. નાણામંત્રી માટે અનેક પ્રકારના પડકારો રહેલા છે. નામ અને રોકાણમાં તેજી લાવવા માટે નિર્મલા સીતારામનની સામે બજેટમાં કેટલાક વિકલ્પો રહેલા છે. બજેટમાં જે પગલા ઉપર વિચારણા ચાલી રહી છે તેમાં ગ્રામીણ ક્ષેત્રોમાં માંગમાં તેજી લાવવા માટે સરકારને વધારે સ્કીમો ચલાવવી પડશે. વર્તમાનમાં જારી સ્કીમો મનરેગા અને પીએમ કિસાનમાં તથા અન્ય સ્કીમોમાં તેજી લાવવાની જરૂર દેખાઈ રહી છે. પીએમ કિસાન યોજનામાં તેજી લાવવા માટે લેન રેકોર્ડના ડિઝિટાઇઝેશનમાં તેજી લાવવાની જરૂર દેખાઇ રહી છે. ઇકોનોમિને બુસ્ટ આપવા માટે સરકારને ફિસ્કલ કન્સોલીડેશનથી ધ્યાન દૂર કરવાની જરૂર દેખાઈ રહી છે.

           ચાલુ નાણાંકીય વર્ષ માટે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ ૩.૩ ટકા રાખવામાં આવ્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને પણ ગતિ આપવાની જરૂર દેખાઈ રહી છે. એર ઇન્ડિયા, બીપીસીએલ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કોનકોર્નના ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આવી જ રીતે સરકાર કેટલીક સંપત્તિઓની ઓળખ કરીને તેમને મોનેટાઇઝ કરવા પર વિચારણા કરી રહી છે. આનાથી તેના હાથમાં પૈસા આવશે. સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા મારફતે ૧.૦૫ લાખ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના તૈયાર કરી છે. પર્સનલ ઇન્કમટેક્સમાં પણ કાપ મુકવામાં આવી શકે છે. ઇન્ફ્રસ્ટ્રક્ચરમાં તેજી લાવવાની યોજના છે. વિકાસદરને લઇને ચિંતાનું મોજુ પ્રવર્તી રહ્યું છે.

            નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના  બીજા ત્રિમાસિક ગાળામાં વિકાસદર ઘટીને ૪.૫ ટકા પર પહોંચી ગયો છે જે છ વર્ષની સૌથી નીચી સપાટી પર છે. આ નાણાંકીય વર્ષમાં વિકાસદર પાંચ ટકા રહેવાનો અંદાજ છે જે ૧૧ વર્ષની નીચી સપાટી રહેશે. જો કે, કેટલીક એજન્સીઓને એવો અંદાજ છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં તેમાં વધુ તેજી આવી શકે છે. સરકાર એલએલટી અને પાર્ટનરશીપ કંપનીઓને પણ કોર્પોરેટ ટેક્સમાં છુટની હદમાં લાવે છે તો તેનાથી કંપનીઓને વધુ પ્રોત્સાહન મળશે અને તેમની સંખ્યા વધશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેજી માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાના પ્લાનની તૈયારી કરવામાં આવી છે. આ પ્લાનને વહેલીતકે અમલમાં લાવવાની જરૂર દેખાઈ રહી છે. કન્સ્ટ્રક્શનમાં તેજીથી રોજગારીની તકો વધશે.

(7:41 pm IST)