મુખ્ય સમાચાર
News of Friday, 24th January 2020

નિર્ભયા : દોષિતને ફાંસી નહીં થાય ત્યા સુધી અન્ન લેશે નહીં

રામદાસ અઠવાલેએ જાહેરાત કરી ચોંકાવ્યા : નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાની માંગને લઇને અન્ના હઝારે છેલ્લા ૩૪ દિવસથી મૌનવ્રત પર છે : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૨૪ : નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાની માંગને લઇને સમાજસેવક અન્ના હઝારે છેલ્લા ૩૪ દિવસથી મૌનવ્રત પર છે ત્યારે કેન્દ્રીયમંત્રી રામદાસ અઠવાલેએ પણ અન્ના હઝારેની મુલાકાત કર્યા બાદ આજે જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી નિર્ભયાના દોષિતોને ફાંસી અપાશે નહીં ત્યાં સુધી ઉપવાસ કરશે અને અન્નને હાથ લગાવશે નહીં. અન્ના રાણેગણસિદ્ધિમાં મૌનવ્રત કરી રહ્યા છે. અન્ના હઝારેને મળ્યા બાદ અઠવાલેએ કહ્યું હતું કે, રાણેગણસિદ્ધિમાં અન્ના હઝારે સાથે વાતચીત કરી છે.

            અત્રે નોંધનીય છે કે, તિહાર જેલમાં રહેલા નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવી દેવા માટે ડેથ વોરંટ જારી કરવામાં આવી ચુક્યું છે. તેમને પહેલી ફેબ્રુઆરીના દિવસે ફાંસી પર લટકાવવામાં આવનાર છે. ચારેયને ફાંસી પર લટકાવવા માટેની તારીખ પહેલી ફેબ્રુઆરી સવારે ૬ વાગે નક્કી કરવામાં આવી છે. ફાંસી આપનાર જલ્લાદને ૩૦મી જાન્યુઆરીના દિવસે બોલાવવામાં આવી રહ્યો છે. મુકેશ ઉપરાંત અન્ય ત્રણ પૈકી કોઇએ પણ દયાની અરજી કરવાની પ્રક્રિયા હાથ ધરશે તો ફરી એકવાર તારીખ આગળ વધી શકે છે. જો આવું થશે તો ફાંસી માટે વધુ એક નવી ડેટ આપવામાં આવશે.

(7:35 pm IST)