મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

સરકારી મહેમાન

લોથલની વિરાસત અને મુંબઇ પોર્ટની નગર વસાહત રચના એ ગુજરાતની મોટી ખોજ છે

ભાગલા પછી કરાંચી પાકિસ્તાનમાં જતું રહેતા ભારતે ગુજરાતના કંડલા બંદરનો વિકાસ કર્યો: સમગ્ર ભારતમાં જેટલા બંદરો આવેલા છે તે પૈકી ત્રીજાભાગના બંદરો ગુજરાતમાં મોજૂદ છે: બનાસકાંઠાનું થરાદ પણ એક સમયે બંદર હતું, સુરતમાં 84 દેશોના વહાણો લાંગરતા હતા

દુનિયાનું પહેલું સમુદ્રી બંદર ઇ.સ. પૂર્વે 2300ની આસપાસ ગુજરાતના દરિયા કિનારે આવેલું લોથલ હતું  અને તેની રચના આજેય પણ નિષ્ણાંતોને આંજી નાંખે તેવી છે. ગુજરાત આજે તેના સમૃદ્ધ બંદરોથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે પરંતુ આ બંદરો પરથી ભૂતકાળમાં થયેલા વેપારની ઓળખ ભાગવત અને મહાભારતના સમય જેટલી પુરાણી છે. રાજ્યના બંદરો ઉપર વિશાળપાયે મૂડીરોકાણને ઉત્તેજન મળતાં ભારતના તમામ બંદરોએ થતી કુલ નિકાસના 25 ટકા નિકાસ એકલા ગુજરાતના બંદરો ઉપરથી થાય છે. કોઇપણ દેશના વિકાસ માટે આયાત-નિકાસ ખૂબ જ મહત્વની બાબત હોય છે. ભારતના કુલ 7500 કિલોમીટરના સાગરકિનારા પૈકી ગુજરાતના 1664 કિલોમીટરના સાગરકિનારે 42 જેટલા મહત્વના બંદરો આવેલા છે. ગુજરાતના વેપારીઓએ વર્ષોથી દરિયાઇ માર્ગે દુનિયાભરના દેશો સાથે વેપાર કરીને વિદેશી હૂંડીયામણ લાવી આપવાનું કામ કર્યું છે. ગુજરાતનું કંડલા બંદર એક એવું છે કે જેને ઓલ વેધર પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે.

કરાંચી પાકિસ્તાનમાં જતાં કંડલાનો વિકાસ થયો...

જ્યારે અખંડ ભારત હતું ત્યારે કરાંચી દેશનું મહત્વનું બંદર હતું પરંતુ ભાગલા પછી કરાંચી પાકિસ્તાનમાં જતું રહેતાં ભારતમાં શ્રેષ્ઠ બંદરની જરૂરિયાત ઉભી થઇ હતી ત્યારે ભારતે કંડલા બંદર ઉપર પોતાની પસંદગી ઉતારી હતી. તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ 1952ની 20મી જાન્યુઆરીએ કંડલા બંદરનું ખાતમૂહૂર્ત કર્યું હતું. આજે આ બંદરના વિકાસે પાછું વાળીને જોયું નથી. માલની આયાત-નિકાસ ઉપરાત આટલા મોટા સાગર કિનારાના કારણે ગુજરાતમાં મત્સ્યોદ્યોગ પણ વિકાસ પામ્યો છે. આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકારે 1977માં વેરાવળ તથા માંગરોળને મત્યબંદર તરીકે જાહેર કર્યા હતા. આજે ગુજરાતના બંદરો પરથી 2400 લાખ મેટ્રીકટન માલસામાનની હેરફેર થાય છે. બંદરોના વિકાસ માટે ગુજરાત સરકારે 1982માં મેરીટાઇમ બોર્ડની રચના કરી હતી, જે 46 લધુ બંદરોનું વ્યવસ્થાપન સંભાળે છે.

સુરતમાં 84 દેશોના વહાણો આવતા હતા...

એક સમયે સુરત એ દેશનું અતિ મહત્વનું બંદર ગણાતું હતું. દુનિયાભરના દેશો સાથે દરિયાઇ માર્ગે વેપાર થતો હતો. સુરત બંદરે 84 દેશોના વહાણો લાંગરેલા જોવા મળતા હતા અને એટલે જ સુરત આજુબાજુના વિસ્તારને ચોર્યાસી તરીકે ઓળખવામાં આવે છે. સુરત ઉપરાંત માંડવી બંદરે પણ આટલા જ વહાણો લાંગરતા હતા. અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી અને ફિરંગીઓ(ડચ) પણ સુરતમાં સ્થાયી થયા હતા. બંદરોની સાથે ગુજરાતમાં દરિયાઇ જીવસૃષ્ટી પણ અનેકપ્રકારની હોઇ તે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જામનગર પાસેનું મરીન પાર્ક એ દેશનું બીજા નંબરનું દરિયાઇ અભ્યારણ્ય છે જેમાં સંખ્યાબંધ ટાપુઓ આવેલા છે. આ પાર્કમાં 200 પ્રકારની દરિયાઇ જીવસૃષ્ટીના દર્શન કરી શકાય છે. હાલમાં ભલે સુંવાલીનો દરિયો સહેલાણીઓ માટે ગોઝારો બન્યો છે પરંતુ 19મી સદી પહેલાં આ દરિયો ગુજરાતનું મહત્વનું બંદર ગણાતો હતો. સુવાલીની જેમ ગુજરાતના 32 બંદરો પરથી આખા વિશ્વમાં વ્યાપાર થતો હતો. રાજ્યમાં કેટલાય બંદરો લુપ્ત થયાં છે.

એકલું ગુજરાત 42 બંદરોનું માલિક છે...

ભારતના દરિયાકાંઠે કુલ 205 બંદરો આવેલા છે જે પૈકી 13 મોટા, 21 મધ્યમ અને 140 નાના બંદરો આવેલા છે. એકલું ગુજરાત 42 બંદરોનું માલિક છે. પ્રાચીનકાળથી ગુજરાત મહત્વનું વેપારીમથક હતું તેનું મૂળ કારણ આ બંદરો છે. મધ્ય-પૂર્વ આફ્રિકા તથા યુરોપના દેશો સાથે વેપાર માટે ગુજરાત ખૂબ મહત્વનું કેન્દ્ર હતું. કહેવાય છે કે યુરોપના લોકો નદી ઓળંગતા ડરતા હતા તે સમયથી ગુજરાતીઓ દરિયો ખેડે છે. આજથી સદીઓ પહેલા વિકસેલા ગુજરાતના દરિયાકાંઠે બંદરોથી ગુજરાતીઓએ ગ્લોબલાઇઝેશનની ક્રાન્તિ સર્જી હતી. ગુજરાતનો એ સુવર્ણકાળ હતો. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ જેટી બંદર બાંધવાની શરૂઆત કરનારા કચ્છના ખેંગારજી ત્રીજા હતા. 1909માં મોરબીના ઠાકોર સર વાઘજીએ નવલખી બંદર વિકસાવ્યું હતું, જેની પાછળ નવ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાથી બંદરનું નામ નવલખી પડ્યું છે.

ગ્લોબલાઇઝેશનમાં ઇન્ડિયન ઓશનનો ફાળો...

ફ્રાન્સના સુબોર્ન શહેરમાં આવેલા મેરીટાઈમ હીસ્ટ્રી ઇન્સ્ટીટ્યુટ એ દુનિયાભરની મેરીટાઈમ હીસ્ટ્રીની રસપ્રદ વિગતો મેળવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સદીઓ પહેલા ભારત એવા ગણ્યાગાંઠયા દેશો પૈકીનો એક હતો જેના દરિયા કાંઠેથી વહાણો દુનિયાભરના દેશોમાં માલ સામાન લઈને જતા હતા.એટલે આ પ્રોજેક્ટમાં ભારતનો સમાવેશ કરાયો છે અને તેના હેડ તરીકે સારા કેલરની નિમણૂંક કરવામાં આવી છે. સારા કેલરને મદદ કરી રહેલા પ્રોફેસર સક્સેના કહે છે કે જ્યારે મેરીટાઈમ હીસ્ટ્રીની વાત આવે ત્યારે ભારતીય મહાસાગર એટલે કે ઈન્ડીયન ઓશન બહુ જ મહત્વનો બની જાય છે. કારણકે સદીઓ પહેલા દુનિયામાં વ્યાપારનુ જે પણ ગ્લોબલાઈઝેશન થયુ હતુ તેમાં ઈન્ડીયન ઓશનનો ફાળો સૌથી વધારે હતો.

લોથલની નગરરચના વિશ્વમાં મશહૂર હતી...

ઇતિહાસકારોના મતે દુનિયાનું પહેલું સમુદ્રી બંદર ઇ.સ. પૂર્વે 2300ની આસપાસ ગુજરાતના દરિયાકિનારે લોથલ ખાતે બાંધવામાં આવ્યું હતું. આ લોથલ સુનિયોજીત નગર હતું અને તેની નગર રચના આજે પણ નિષ્ણાંતોને આંજી નાંખે તેવી છે. ડો. એસ.આર.રાવને નવેમ્બર 1954માં ‘લોથલ માઉન્ડ’ની ભાળ મળી અને 1955 થી 1960 સુધી ચાલેલા ઉત્ખનનનાં અંતે પ્રાચીનયુગના અદભુત અને સુવિકસિત નગર લોથલની શોધ થઇ હતી. લોથલના બાંધકામની વાત કરીએ તો તેનું ટાઉન પ્લાનિંગ બે વિભાગોમાં વહેંચાયેલું હતું. જેમાં એક એક્રોપોલીસ, જ્યાં રાજ પરિવાર રહેતો હતો. બીજો લોઅર ટાઉન, જ્યાં સ્થાનિક બજાર તેમ જ સામાન્ય પ્રજા અને વ્યાપારી વર્ગનાં રહેઠાણ હતાં. લોથલના મ્યુઝિયમની વાત કરીએ તો તે આપણને આ સ્થળે ચાર હજાર વર્ષ પહેલાંના જીવનની ઝાંખી કરાવે છે. મ્યુઝિયમમાં લોથલમાંથી મળેલાં સિલ્સ એન્ડ સિલિંગની વરાયટી છે. તેમનાં માટીનાં વાસણો, બીડ્સ, જ્વેલરી, તીર, અરીસા માટે ઉપયોગમાં લેવાતો પત્થર, ફિશહુક, ધાર્મિક વિધિનાં સાધનો અને વેઇટ મેઝર્સ વગેરે તેમ જ લોથલનાં ઇર્ન્ફમેટિવ નકશા, ઇલસ્ટ્રેશન્સ અને મોડલ પણ છે. તેમનાં રમકડાંનાં અવશેષો આપણને વિચારતા કરી મૂકે એવા છે.

બનાસકાંઠાનું થરાદ પણ એક જમાનાનું બંદર...

ભારતીય રજવાડાઓમાં દરિયાઇ વેપાર- વાણિજ્યના કારણે સમૃદ્ધિ હતી. આપણે વહાણવટા અને સમુદ્રી વેપારમાં કુશળ હતા તે ઇતિહાસ બતાવે છે. જે પેઢી ઇતિહાસ જાણે છે તે જ નવો ઇતિહાસ રચી શકે છે. માનવ સંસ્કૃતિ પુરાતનકાળમાં જળતટ ઉપર વિકસતી હતી. એક યુગમાં ખંભાત બંદર હતું તે સહુ કોઇ જાણે છે, પરંતુ બનાસકાંઠાનું થરાદ એક જમાનામાં બંદર હતુ, તેની કોઇને જાણ ન હતી. લોથલની બંદરીય વિરાસત અને મુંબઇ બંદરની નગર વસાહત રચના ગુજરાતની ખોજ છે. સુરત દુનિયાના યુદ્ધ જહાજો બાંધવાનો ખ્યાતનામ જહાજવાડો હતો. ગુજરાત આ સામુદ્રિક ઇતિહાસની વૈભવી વિરાસતનો મહિમા અને જાહોજલાલી પુનઃપ્રસ્થાપિત કરી રહ્યું છે.

ઘોઘાના ખલાસી દુનિયામાં ઉત્તમ કહેવાતા...

પોર્ટ ક્ષેત્રની ફેક્ટ ફાઇલ જોઇએ તો સમગ્ર દેશના કુલ બંદરો પૈકી ત્રીજાભાગના ગુજરાતમાં આવેલા છે. એક વાયકા પ્રમાણે કાનજી માલમ નામના માંડવીના ખારવાએ વાસ્કો-દ-ગામાને કાલિકટનો રસ્તો બતાવ્યો હતો. મહાભારત, હરિવંશપુરમ, ભાગવત તેમજ મત્સ્યપુરાણમાં ગુજરાતના બંદરોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગુજરાતના અને ખાસ કરીને ઘોઘાના ખલાસીઓ એ જમાનામાં આખી દુનિયામાં ઉત્તમ કોટીના ગણાતા હતા. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જે જળ અને સ્થળ દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલું છે. ઋગ્વેદમાં અવર અને અપર સમુદ્રનો ઉલ્લેખ છે જે આજે અરબી સમુદ્રના નામે ઓળખાય છે. તે સમયે સઢ અને હલેસાંથી ચાલતી હોડીઓ અને અગ્નિનૌકાનું અસ્તિત્વ હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:26 am IST)