મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

મોડર્નાની કોરોના વેક્સિન ટૂંક સમયમાં જ મળી જશે

રસીની કિંમત ૧૮૦૦-૨૭૦૦ની વચ્ચે રહેશે : વેક્સિન કોરોના સામે ૯૪.૫ ટકા સફળ સાબિત થઇ છે

વોશિંગ્ટન, તા. ૨૨ : અમેરિકાની કંપની મોડર્ના ઇંકે કોરોના વાયરસ સામે વેક્સિન બનાવી હોવાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે, તેમની વેક્સિન કોરોના સંક્રમણ સામે ૯૪.૫ ટકા સફળ સાબિત થઇ છે. મોડર્ના કંપની દ્વારા પહેલીવાર તેની કિંમત વિશે માહિતી આપાવામાં આવી છે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બેન્સેલે જણાવ્યું કે, મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત ૨૫ ડોલરથી ૩૭ ડોલર એટલે કે લગભગ ૧૮૦૦થી ૨૭૦૦ રૂપિયાની વચ્ચે રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, કિંમત એ વાત પર નિર્ભર રાખશે કે ઓર્ડર કેટલો મળ્યો છે.

અગાઉ યુરોપિયન કમિશનના એક અધિકારીએ કહ્યું હતું કે, અમે મોડર્નાના લાખો ડોઝ માટે કંપની સાથે ડીલ કરી છે. આ અંગે બેન્સેલે કહ્યું કે, એવી કોઇ ડીલ થઇ નથી. પરંતુ યુરોપિયન કમિશન સાથે વાતચીત ચાલુ છે. અમે યુરોપમાં પહોંચવા ઇચ્છીએ છીએ અને અમારી વાતચીત પણ યોગ્ય દિશામાં થઇ રહી છે.

કંપનીને આશા છે કે, આ વર્ષના અંત સુધી વેક્સિનના બે કરોડ ડોઝ તૈયાર થઇ જશે. જ્યારે કંપની દાવો કરી રહી છે કે, આવતાં વર્ષ સુધી સો કરોડ ડોઝ તૈયાર કરી લેશે.

 

(12:00 am IST)