મુખ્ય સમાચાર
News of Saturday, 23rd October 2021

ચિંતા... ચિંતા... ચિંતા...

પેટ્રોલ - ડિઝલના બેફામ વધતા ભાવોથી ઉત્‍પાદન - સેવાઓના રીટેલ ભાવ વધશે : વધી શકે છે મોંઘવારી

મુંબઇ તા. ૨૩ : રિઝર્વ બેંકે પેટ્રોલ - ડીઝલની વધારે પડતી વધી રહેલી કિંમતોથ ઉત્‍પાદનો અને સેવાઓના છૂટક ભાવો વધવાની ચિંતા વ્‍યકત કરી છે. શુક્રવારે જાહેર થયેલ એમપીસી મીનીટસમાં રિઝર્વ બેંકે જણાવ્‍યું કે, ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બરમાં છૂટક મોંઘવારી દરમાં મોટો ઘટાડો રાહતની વાત છે પણ મોંઘુ ઇંધણ અવરજવર અને માલ ટ્રાન્‍સપોર્ટેશનનો બોજ સતત વધારી રહ્યું છે. ગવર્નર શકિતકાંત દાસની આગેવાનીમાં ૬થી ૮ ઓકટોબર દરમિયાન ચાલેલી મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી)ની બેઠકના મુખ્‍ય અંશ (મીનીટસ) જાહેર કરીને આરબીઆઇએ જણાવ્‍યું કે, મહામારીમાંથી બહાર આવી રહેલી અર્થવ્‍યવસ્‍થાને હજુ નીતિગત ટેકાની જરૂર છે. આ નાજુક મોડ પર આપણો દરેક નિર્ણય અત્‍યંત સંવેદનશીલ અને માપસરનો હોય છે. આરબીઆઇના કાર્યકારી ડાયરેકટર સાગરે કહ્યું કે, ક્રુડ ઓઇલ ૮૫ ડોલરની ઉપર છે અને આખું વર્ષ તે ૮૦ ડોલર આસપાસ રહેવાનું અનુમાન છે. તે છૂટક મોંઘવારીને ૦.૨૦ ટકા વધારી દેશે જેનાથી વિકાસ દરમાં ૦.૧૫ ટકા ઘટાડો થશે.
ગવર્નર દાસે જણાવ્‍યું ક, એમપીસી મીટીંગમાં રેપો રેટને ૪ ટકાએ જાળવી રાખવા પર છએ છ સભ્‍યોએ સંમતિ વ્‍યકત કરી હતી. દાસે કહ્યું કે, જો દેશના કેટલાય ભાગોમાં વરસાદ કહેર બનીને ના પડયો હોત તો છૂટક મોંઘવારી દર વધુ નીચે આવી જાત. સપ્‍ટેમ્‍બરમાં છૂટક મોંઘવારી દર ૪.૩૫ ટકાએ પહોંચી ગયો હતો.

 

(11:04 am IST)