મુખ્ય સમાચાર
News of Saturday, 23rd October 2021

જીંદગી જીવી લ્‍યો...કોરોનાએ બે વર્ષનું આયુષ્‍ય ઘટાડી દીધું

અભ્‍યાસમાં સનસનીખેજ ખુલાસોઃ કોરોના મહામારીની મહાઅસરઃ પુરૂષોનું સરેરાશ આયુષ્‍ય અગાઉ ૬૯.૫ વર્ષ હતુ જે ઘટીને ૨૦૨૦માં ૬૭.૫ વર્ષ થઈ ગયું : મહિલાઓનું સરેરાશ આયુષ્‍ય ૭૨ વર્ષ હતુ જે ઘટીને ૬૯.૮ વર્ષ થઈ ગયું: કોરોનાકાળમાં સૌથી વધુ મોત ૩૫થી ૬૯ વર્ષની વયવાળા વર્ગમાં થયાઃ ૩૫થી ૭૯ વર્ષવાળા વર્ગમાં સામાન્‍ય વર્ષના મુકાબલે વધુ મોત થયા

નવી દિલ્‍હી, તા. ૨૩ :. ભારતમાં કોરોના મહામારીએ કાળોકેર મચાવ્‍યો છે. આ મહામારીએ જબરી અસર ઉભી કરી છે. મહામારીનો પ્રભાવ દેશમાં રહેતા લોકોના આયુષ્‍ય ઉપર પણ પડયો છે. ઈન્‍ટરનેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ફોર પોપ્‍યુલેશન સ્‍ટડીઝ (આઈઆઈપીએસ)ના એક અભ્‍યાસ અનુસાર ભારતમાં કોરોનાના કારણે લોકોનો જીવનકાળ અથવા તો જીવન પ્રત્‍યાશા અથવા તો આયુષ્‍ય લગભગ બે વર્ષ ઓછું થઈ ગયુ છે. રીસર્ચમાં જણાવાયુ છે કે પુરૂષોના જન્‍મના સમયથી લઈને જીવનકાળ ૨૦૧૯માં ૬૯.૫ સરેરાશ વર્ષ હતુ તે ૨૦૨૦માં ઘટીને ૬૭.૫ વર્ષ થઈ ગયુ છે તો બીજી તરફ મહિલાઓનું આયુષ્‍ય ૨૦૧૯માં ૭૨ વર્ષ હતુ તે ૨૦૨૦માં ઘટીને ૬૯.૮ વર્ષ જ રહી ગયુ છે.
આઈઆઈપીએસના સહાયક પ્રો. સૂર્યકાંત યાદવે જણાવ્‍યુ છે કે આ અભ્‍યાસ બીએમસી પબ્‍લિક હેલ્‍થમાં પ્રકાશિત થયો છે. તેમણે જણાવ્‍યુ હતુ કે જન્‍મના સમય જીવન પ્રત્‍યાશાનો મતલબ એ છે કે કોઈ નવજાતની આસપાસની સ્‍થિતિ તેના ભવિષ્‍યમાં પણ નિરંતર રહે તો સરેરાશ તેઓની ઉંમર કેટલા વર્ષ સુધી હોય શકે છે.
આ નવા અભ્‍યાસમાં માણસના જીવનકાળની અસમાનતાના ગાળા ઉપર પણ વિચાર કરવામાં આવ્‍યો છે. જેમાં જણાયુ છે કે કોરોનાથી સૌથી વધુ મોત ૩૫થી ૬૯ વર્ષના વયના લોકોનું થયુ છે. રીપોર્ટ અનુસાર ૨૦૨૦માં ૩૫-૭૯ વર્ષવાળા વર્ગમાં સામાન્‍ય વર્ષના મુકાબલે વધારે મોત થયા છે. ભારતમાં જીવન પ્રત્‍યાશા ઘટવાનું આ પણ એક કારણ રહ્યુ હતુ.
અત્રે નોંધનીય કે આરોગ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે માર્ચ ૨૦૨૦થી કોવિડને કારણે ૪.૫ લાખના મોત થયા છે, પરંતુ ડેટા સ્‍પેશ્‍યાલીસ્‍ટોએ કહ્યુ છે કે આનાથી અનેક ઘણા લોકોના મોત થયા છે.
દરમિયાન ઓકસફર્ડ યુનિવર્સિટીના એક અભ્‍યાસમાં પણ એવો દાવો થયો છે કે અમેરિકામાં પુરૂષોનું આયુષ્‍ય ૨.૨ વર્ષથી વધુ ઘટયુ છે. જે બીજા વિશ્વ યુદ્ધ બાદનો ઘટાડો સૌથી મોટો છે. અત્રે એ નોંધનીય છે કે દુનિયાભરમાં કોરોનાને કારણે ૫૦ લાખ લોકોના સત્તાવાર મોત થયા છે. અભ્‍યાસ અનુસાર મોટાભાગના દેશોમાં મહિલાઓની સરખામણીમાં પુરૂષોના આયુષ્‍યમાં સૌથી વધુ ઘટાડો થયો છે.

 

(11:01 am IST)