મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd October 2019

દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગને ટેકો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માંગને જેડીયુના પ્રમુખ નીતિશકુમારનો ટેકો

બિહારના મુખ્યમંત્રી અને એનડીએના સાથી પક્ષ જેડીયુના પ્રમુખ નીતિશકુમારે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સાથે સંબંધિત માંગની તરફેણ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લાંબા સમયથી આ અંગેની માંગ કરતા રહ્યા છે. દિલ્હીના બદરપુરમાં પાર્ટીની રેલીને સંબોધતા નીતિશકુમારે આ મુજબની વાત કરી હતી. નીતિશકુમારે કહ્યું હતું કે, બિહારની જેમ દિલ્હીમાં પણ શરાબ પર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. નીતિશકુમારની આ ટિપ્પણીને લઇને ભારતીય જનતા પાર્ટીના લોકોમાં ખળભળાટ મચી ગયો છે. નીતિશે કહ્યું હતું કે, અમે કામ વધારે કરીએ છીએ અને પ્રચાર ઓછો કરી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં બિહાર જ એવા રાજ્ય તરીકે છે જે પ્રચાર ઉપર સૌથી ઓછી રકમ ખર્ચ કરે છે. એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, જેડીયુ દિલ્હી ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. જો એમ થશે તો તેમની સાથી પાર્ટી ભાજપ માટે મોટી સમસ્યા થઇ શકે છે. જો કે, હજુ સુધી આ સંદર્ભમાં કોઇપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. નીતિશકુમારની આ ટિપ્પણીથી બંને પાર્ટી વચ્ચે ખેંચતાણ વધવાના સંકેત છે.

(9:00 pm IST)