મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

''એ ટુર ટુ ઇન્ડિયન કલ્ચર'': અમેરિકામાં એટલાન્ટા જયોર્જીયા ખાતેની કોલેજના મેગેઝીનમાં ગુજરાતના નવરાત્રિ મહોત્સવનો દબદબોઃ વડોદરાની વતની સુશ્રી શૈલી ભટ્ટ લિખિત આર્ટીકલની તસ્વીરને મુખપૃષ્ઠ ઉપર સ્થાન

જયોર્જીયાઃ ગુજરાતમાં ભારે ઉમંગપૂર્વક ઉજવાતા નવરાત્રિ મહોત્સવ અને ગરબા વિષે અમેરિકાના એટલાન્ટા સ્થિત જયોર્જીયા ગ્વીનીટ કોલેજના મેગેઝીનમાં વડોદરાની વિદ્યાર્થીની શૈલી ભટ્ટ લિખિત આર્ટીકલને 'એ' ગ્રેડ આપી વાહ વાહ થતા વિદેશમાં ગુજરાત વડોદરાનું નામ રોશન થયું છે.

જયોર્જીયા ગ્વીનીટ કોલેજમાં ચાલતા નર્સીગના કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના ફર્સ્ટ સેમેસ્ટરમાં પાંચ પાંચના ગૃપમાં વિવિધ વિષય ઉપર મેગેઝીન તૈયાર કરવાનો પ્રોજેકટ આપવામાં આવ્યો હતો. આ પૈકી ટ્રાવેલ વિષય પર મેગેઝીન તૈયાર કરવાનો પ્રોજેકટ પાંચ વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરતા પાંચ સ્ટુડન્ટસની પસંદગી કરાઇ હતી. જેમાં ભારત,ચીન,વિએતનામ, આપ્રિકા અને કોંગો દેશના પાંચ સ્ટુડન્ટસનો સમાવેશ થયો હતો. આ પાંચ સ્ટુડન્ટસે ભેગા મળીને પ્રો.ડો.સી લિંગ વ્હાંગના માર્ગદર્શન હેઠળ તેમના દેશની સંસ્કૃતિ, પરંપરા, પોષાક,ખાણીપીણી, તથા જાણીતા સ્થળો વિષે રસપ્રદ માહિતી સાથેનું મેગેઝીન તૈયાર કર્યુ હતું.

૫૦ પેજના આ મેગેઝીનમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વડોદરાની શૈલી દિવ્યકાંત ભટ્ટએ ગુજરાતના જગપ્રસિધ્ધ નવરાત્રિ મહોત્સવના આકર્ષણ અને તેની ખ્યાતિને ઉજાગર કરતી માહિતી સાથેના આર્ટીકલનું લેખન કર્યુ હતું. પાંચ દેશોના વિદ્યાર્થીઓએ લખેલા તેમના દેશની સંસ્કૃતિનું આલેખન કરતા આર્ટીકલ પૈકી વડોદરાની વતની શૈલી ભટ્ટ દ્વારા નવરાત્રિ પર્વ વિષે લિખિત ''એ ટુર ટુ ઇન્ડિયા કલ્ચર'' આર્ટિકલને 'એ'ગ્રેડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત આર્ટિકલ સંબંધિત મેગેઝીનના મુખપૃષ્ઠ માટે પસંદગી કરાઇ હતી. એટલું જ નહિં ગુજરાત વડોદરાના ગરબાની તસવીર તેમજ શૈલી ભટ્ટ અને તેના ફ્રેન્ડસની નવરાત્રિ પર્વની તસવીરોને મેગેઝીનમાં સ્થાન મળતા વડોદરા ગૌરવાન્વિત થયું છે.

(9:45 pm IST)