મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

યોગીના ચરણ સ્પર્શ કરીને રમણસિંહે આશીર્વાદ લીધા

આશીર્વાદ લીધા બાદ ઉમેદવારીપત્રો ભર્યા : રમણસિંહ ઉપરાંત તેમના પત્નિ અને પુત્રએ પણ યોગીની આરતી ઉતારીને આશીર્વાદ લીધા : યોગી સ્ટાર પ્રચારક

નવી દિલ્હી, તા. ૨૩ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે છત્તીસગઢમાં પહોંચીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી રમણસિંહ દ્વારા ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેમનું અહીં પહોંચ્યા બાદ રમણસિંહના ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રમણસિંહ, તેમના પત્નિ અને પુત્રએ યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. યોગીની આરતી પણ ઉતારવામાં આવી હતી અને માળા પહેરાવવામાં આવી હતી. યોગી આદિત્યનાથ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહની ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

રમણસિંહે ઉમેદવારી નોંધાવતા પહેલા યોગી આદિત્યનાથની પૂજા કરી હતી. ઘરે પાંચ પંડિતોને પણ બોલાવ્યા હતા અને પંડિતોએ મંત્ર વાંચ્યા હતા. રમણસિંહના પરિવારના સભ્યોએ યોગીને માળા પહેરાવવી હતી તેની આરતી પણ ઉતારી હતી. પત્નિ વીણાસિંહ અને પુત્ર અભિષેકે પણ યોગીના ચરણ સ્પર્શ કર્યા હતા. ત્યારબાદ રમણસિંહ કાફલાની સાથે ઉમેદવારીપત્ર દાખલ કરવા માટે રવાના થયા હતા. અહીં પણ રમણસિંહે ઉમેદવારીપત્ર ભરતા પહેલા યોગીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ ઉમેદવારી નોંધાવી હતી. યોગીને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશમાં થઇ રહેલી ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવ્યા છે. યોગીએ અહીં પાર્ટી વર્કર સાથે પણ વાત કરી હતી. એરપોર્ટ ઉપર પહોંચતા યોગીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અહીં આવીને તેમને ખુબ ખુશી થઇ રહી છે. રમણસિંહની અવધિ દરમિયાન રાજ્યમાં ખુબ સારા કામો થયા છે. ફરી એકવાર છત્તીસગઢમાં પ્રચંડ બહુમતિ સાથે ભાજપની સરકાર બનનાર છે. છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે યોગીનું સ્વાગત કર્યું હતું.

(8:09 pm IST)