મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

મુંબઇ અેરપોર્ટના રન-વેનું બે તબક્કામાં સમારકામઃ આજે રન-વે બંધ રહ્યા બાદ ફેબ્રુઆરી-માર્ચમાં સમારકામ કરાશે

 

મુંબઈઃ આજે 11 વાગ્યા બાદ મુંબઈ એરપોર્ટના બંને રનવે કલાક સુધી સમારકામ માટે બંધ રહેશે. આથી મુંબઈ એરપોર્ટ પર આગમન કે પ્રસ્થાન કરતા મુસાફરોએ થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. સવારના 11 વાગ્યાથી આશરે કલાક સુધી મુંબઈ એરપોર્ટનો મુખ્ય અને બીજો રન-વે બંધ રહેશે.

મુંબઈ એરપોર્ટના રનવેનું બે તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ઓક્ટોબરમાં એટલે કે આજે અને બીજા તબક્કામાં ફેબ્રુઆરી-માર્ચમાં સમારકામ હાથ ધરવામાં આવશે. સમારકામ દરમિયાન 300 ફ્લાઇટના શિડ્યૂલને અસર પહોંચવાની શક્યતા રહેલી છે.

એર ઇન્ડિયાએ મંગળવારે બાબતે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, "ભારતીય સમય પ્રમાણે મંગળવારે સવારના 11 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મુંબઈ એરપોર્ટનો રનવે બંધ રહેશે. ફ્લાઇટના સમયમાં કરવામાં આવેલા ફેરફાર જાણવા માટે એર ઇન્ડિયાની વેબસાઇટ અથવા તેની એપ્લિકેશનની મુલાકાત લો."

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય એરલાઇન્સની ફ્લાઇટની સેવાઓને પણ સમારકામને કારણે અસર પહોંચશે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે ચોથી ઓક્ટોબરના રોજ માહિતી આપી હતી કે, સમારકામને કારણે બંને રનવે 09/27 અને 14/32 સવારના 11થી સાંજના પાંચ વાગ્યા સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. બીજા તબક્કામાં બંને રનવેનું સમારકામ ફેબ્રુઆરી 7 અને માર્ચ 30ના રોજ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે મુંબઈ એરપોર્ટ પર દરરોજ 1000 જેટલી ફ્લાઇટનું આવન જાવન થાય છે. મુંબઈના મુખ્ય રનવે પર કલાકમાં 50 જેટલી ફ્લાઇટ આવન-જાવન કરી શકે છે. જ્યારે બીજા રનવેની કેપેસિટી કલાકની 35 ફ્લાઇટની છે.

(5:59 pm IST)