મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

જૈન સમાજે આદરેલી 'સેવ શિખરજી' ઝુંબેશ વધુ ઉગ્ર બનાવશેઃ શિખરજી પર્વતને પૂજા સ્થળ તરીકે જાહેર કરવા જૈનોની માગણી

રાંચીઃ ભારતના ઝારખંડ રાજયના ગિરીડીહ જિલ્લામાં આવેલા શિખરજી પર્વત  કે પારસનાથ પર્વતને બચાવવા જૈનાચાર્ય શ્રીમદ વિજય યુગભૂષણસૂરીજી (પંડીત મહારાજ)ના પવિત્ર માર્ગદર્શન હેઠળ બિનનફાકારક સંસ્થા જ્યોતના ઉપક્રમે મહિના પૂર્વે શરૂ થયેલી સેવ શિખરજી ઝુંબેશ હવે વધુ ઉગ્ર બનાવશે.

વિશ્વભરના જૈનોના ચારેય ફિરકાઓ- શ્વેતાબર, દિગમ્બર, તેરાપંથી અને સ્થાનકવાસી આ ઝુંબેશમાં જોડાયા છે. યુએસ, કેનેડા, ન્યૂઝિલેન્ડના જૈનો પણ સક્રીયરીતે આ ઝુંબેશમાં જોડાયા છે. જ્યાં સુધી સરકાર સમગ્ર શિખરજી પર્વતને પૂજા સ્થળ તરીકે સત્તાવાર જાહેર ન કરે ત્યાં સુધી આ ઝુંબેશ વધુ ઉગ્રપણે ચાલુ રહેશે.

સપ્ટેમ્બર- ૨૦૧૫માં ઝારખંડમાં મુખ્યપ્રધાન રઘુબરદાસએ સાર્વજનિક રીતે જાહેરાત કરી હતી કે આ સમેત શિખરજીને આંતરરાષ્ટ્રીય સ્તર પર આધ્યાત્મિકતા અને જ્ઞાનપ્રાપ્તિના સ્થળ તરીકે વિકસિત કરાશે. તેમણે ત્યારે એક જૈન પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવાની સાથે પહાડની પવિત્રતાને સુરક્ષિત રાખવાની સાથે તેની સંરચનાની સાથે છેડછાડ કર્યા વગર અમુક મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવામાં દિલચશ્પી દેખાડી હતી. ત્રણ વર્ષ વીતી ગયા. છતાંય રાજય સરકાર તરફથી આ વચનોને કાર્યોન્વિત કરવા માટે કોઈ ઔપચારિક કાર્યવાહી થઈ નથી.

તાજેતરમાં ઝારખંડના મુખ્ય પ્રધાને ફરી આપેલા મૌખિક વચનના કારણે આ ઝુંબેશની સફળતાની મુઠ્ઠીભર જૈન લોકોએ ઉજવણી કરી હતી. આ માત્ર મૌખિક હૈયાધારણ છે જે સેવ શિખરજી ઝુંબેશના લક્ષ્યાંકની નજદિક કયાંય નથી. આથી જયાં સુધી સત્તાવર રીતે શિખરજીને પૂજા સ્થળ તરીકે જાહેર ન કરાય ત્યાં સુધી સેવા શિખરજી ઝુંબેશ ચાલુ રહેશે. એમ જાહેર સંપર્ક વિભાગના ડાયરેકટર હેમંત એમ.શાહએ જણાવ્યું હતું.

ભારતમાં ઘણાં તળાવો, નદીઓ, ગુફાઓ અને પર્વતો છે. આમાં તિરુમાલા હિલ્સ, સિક્કીમમાં નરસિંગ પર્વત, ઓરિસ્સામાં નિયમગીરી હિલ્સને સત્તાવાર રીતે પૂજા સ્થળ તરીકેની માન્યતા આપવામાં આવી છે. વિશ્વમાં યુએસમાં ગ્રાન્ડન કેનન અને ઓસ્ટ્રેલિયામાં ઉલૂ રુ રેડ રોક પવિત્ર ગણાય છે. આ વિસ્તારોમાં સ્થાનિક સરકારોએ માત્ર કાનૂની રક્ષણ જ પૂરું પાડયું નથી પણ તેની જાળવણી અને સુરક્ષા માટેની નીતિ અને ધારાધોરણ ઘડયા છે. આ સંદર્ભમાં જૈનોની માંગણી પણ સરકારની હકૂમતના દાયરામાં જ છે.

જૈનના ૨૪ તીર્થકર ભગવંતોમાંથી ૨૦ તીર્થકરો સમેત શિખરજી પર્વત પર નિર્વાણ પામ્યા છે. આ ઉપરાંત અન્ય ઘણા ભિક્ષુઓએ હજારો વર્ષ પૂર્વે અત્રે મોક્ષ પ્રાપ્ત કરેલું છે. આજે પણ જૈન લોકો પૂરા પારસનાથ પહાડની ૨૭ કિલોમીટરની પરિક્રમાં પૂરી શ્રદ્ધા સાથે કરે છે.

હવે આ ખૂબસુરત જંગલોની ઉપેક્ષા કરાઈ રહી છે. આ જંગલોનું વ્યાવસાયિક શોષણ થવાનું જોખમ ઉભું થયુ છે. આ સ્થાનનું વાણિજિયક શોષણ અને શહેરીકરણ થઈ રહ્યું છે. સરકારે અત્રે સુરક્ષાના હેતુ માટે હેલિપેડ બાંધ્યું છે અને અત્રે ટુરિઝમ સેન્ટર વિકસાવાય તેવો ભય ઊભો થયો છે. અત્રે અન્ય ધર્મોના મંદિરો પણ બાધાઈ રહ્યાં છે. આ બધાના કારણે આ પવિત્ર સ્થળ પોતાની આધ્યાત્મિક પવિત્રતા ગુમાવી રહ્યું છે.

(4:27 pm IST)