મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

પુરૂષો માટે લગ્ન વય મર્યાદા ૨૧માંથી ૧૮ કરવાની અરજી સુપ્રિમે ફગાવીઃ

અરજદારને રપ૦૦૦નો દંડ ફટકાર્યો

નવી દિલ્હી તા.૨૩: સુપ્રિમ કોર્ટે પુરૂષોની લગ્ન માટેની ઉંમર ૨૧ થી ઘટાડીને ૧૮ કરવાની માગણી કરતી એક જનહિતની અરજી રદ કરીને અરજદારને રપ૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી જણાવેલ કે આમાં કોઇ જનહિત સામેલ નથી.

આશોક પાંડે નામના વકીલ દ્વારા આ જનહીતની અરજી દાખલ કરાઇ હતી. પાંડેએ રપ૦૦૦ રૂપિયાનો દંડ માફ કરવા વારંવાર વિનંતી કરી પણ સુપ્રીમ કોર્ટે તેની વાત ન માની.મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહયું, '' જો કોઇ ૧૮ વર્ષની વ્યકિત આ પ્રકારની અરજી સાથે અમારો સંપર્ક કરશે તો તમારા દ્વારા જમા કરાયેલ રકમ તેને આપી દઇશું.'' પાંડેએ અરજીમાં કહયું હતું કે જો ૧૮ વર્ષનો વ્યકિત ચૂંટણીમાં મતદાન કરી શકે અને પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે તો તેના લગ્ન પર બંધન કેમ રાખી શકાય.તેમણે બાળ વિવાહ નિષેધ અધિનિયમ, વિશેષ વિવાહ અધિનિયમ અને હિંદુ વિવાહ અધિનિયમની જોગવાઇઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પુરૂષો અને મહિલાઓ માટે લગ્નની ઉંમર નક્કી કરાઇ છે. અને તેમણે કહયું કે આ જોગવાઇઓ બંધારણમાં અપાયેલ મોૈલિક અધિકારોનો ભંગ કરે છે.

(3:16 pm IST)