મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

રાત્રે ૮ થી ૧૦ વચ્ચે જ ફોડી શકાશે ફટાકડા

ક્રિસમસ અને નવા વર્ષે રાત્રે ૧૧.૫૫થી ૧૨.૩૦ સુધી જ ફોડી શકાશે : લાયસન્સ ધારક જ ફટાકડા વેંચી શકશે : ફટાકડા ઓનલાઇન વેંચી નહિ શકાય : દેશની સર્વોચ્ચ અદાલતે ફટાકડા વેચવા અને ફોડવાના મામલે આપ્યો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી તા. ૨૩ : દિવાળી પહેલા ફટાકડાના વેચાણ અંગે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે દેશમાં કેટલીક શરતોની સાથે ફટાકડા વેચાણ અંગે મંજુરી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, એવા પ્રયત્નો કરવામાં આવે કે ઓછા પ્રદૂષણવાળા ફટાકડાના ઉપયોગ થાય. જો કે પર્યાવરણને કોઇ નુકસાન પહોંચે નહીં. એટલે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ સ્પષ્ટ છે કે, આ દિવાળી પર દેશમાં ફટાકડાનો અવાજ જરૂર સંભળાશે અને લોકો ધમાકેદાર અંદાજમાં દિવાળી મનાવી શકશે.

સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે સમય પત્રક તૈયાર કર્યું છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ દિવાળી પર લોકો ૮ થી ૧૦ વાગ્યા સુધી નાતાલ અને નવા વર્ષ પર રાતે ૧૧.૪૫ વાગ્યાથી ૧૨.૧૫ વાગ્યાથી ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત કોઇ પણ વિક્રેતા ઓનલાઇન ફટાકડા વેચી શકશે નહિ.

જસ્ટિસ એ.કે.સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે છેલ્લા ૨૮ ઓગસ્ટે આ મુદ્દા પર તેના નિર્ણયને સુરક્ષિત રાખી લીધો હતો. બેંચે સુનાવણી દરમિયાન તેમની ટીપ્પણીમાં કહ્યું હતું કે, સ્વાસ્થ્યના અધિકાર અને વ્યાપારમાં સામંજસ્ય બેસાડવાની જરૂરીયાત છે.

આ અગાઉ ૨૮ ઓગષ્ટે જસ્ટિસ એકે સીકરી અને અશોક ભૂષણની પીઠે પોતાનો નિર્ણય સુરક્ષીત રાખી લીધો હતો. સુપ્રીમ કોર્ટે આ અગાઉની સુનાવણીએ દરમિયાન કહ્યું હતું કે, પ્રતિબંધ સાથે સંકળાયેલી અરજી પર વિચાર કરતી ખવતે ફટાકડાઓના ઉત્પાદકોની આજીવિકાનો મૌલિક અધિકાર અને દેશના ૧.૩ અબજ લોકોના સ્વાસ્થ્ય અધિકાર સહિત જુદા જુદા તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, બંધારણના અનુંચ્છેદ-૨૧ (જીવન જીવવાનો અધિકાર) તમામ વર્ગના લોકો પર સમાન રીતે લાગુ પડે છે. આ સ્થિતિમાં ફટાકડાઓ પર દેશવ્યાપી પ્રતિબંધના વિચાર સમયે સંતુલન યથાવત રાખવાની જરૂર છે. કોર્ટે કેન્દ્ર પાસેથી પ્રદૂષણને નાથવાના ઉપાયો સુચવવવા અને એ જણાવવા કહ્યું હતું કે, ફટાકડાઓ પર પ્રતિબંધ લગાવવાથી વ્યાપક રૂપે જનતા પર તેની શું અસર થશે.

સુપ્રીમ કોર્ટે આ અગાઉ કહ્યું હતું કે પ્રતિબંધ સાથે જોડાયેલી અરજી પર વિચાર કરતી વખતે ફટાકડા ઉત્પાદકોની આજીવિકાના મૂળભૂત અધિકાર દેશના ૧.૩ અબજ લોકોના સ્વાસ્થ્ય અધિકાર સહિત વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખવા પડશે.

કોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ ૨૧ (જીવનના અધિકાર) તમામ વર્ગો પર લાગુ પડે છે અને ફટાકડા પર દેશવ્યાપી પ્રતિબંધ પર વિચાર કરતી વખતે સંતુલન જાળવી રાખવાની જરૂર છે. કોર્ટે કેન્દ્રને પ્રદૂષણને કન્ટ્રોલ લેવા માટે ઉપાય સૂચવવાનું કહ્યું હતું, કોર્ટે સરકારને એમ પણ પૂછ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાથી જનતા પર શું અસર પડશે.

ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં ઠંડી શરૂ થતા જ રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધવા લાગે છે અહીં હવાની ગુણવત્તા ખરાબ સ્તર પર પહોંચી ગઈ છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ ઠંડીની સિઝન શરૂ થતા પ્રદૂષણ વધવા લાગે છે. દિવાળીના તહેવારોમાં ફટાકડાના ધૂમાડાથી પ્રદૂષણ વધારે વધે છે.

ફટાકડાઓ પર પ્રતિબંધને લઈને એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે તહેવારો પહેલા ફટાકડા પર પ્રતિબંધ કેવી રીતે લગાવી શકાય. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સુપ્રિમે દિવાળી પહેલા દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

(3:09 pm IST)