મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

૨૦૧૯માં વૈશ્વિક આર્થિક મંદીના ભણકારા

૪૪ પૈકી ૧૮ દેશોમાં આર્થિક વૃધ્ધિદર ઘટશે, ૨૩માં ગત વર્ષ જેટલો જ રહેશે : સર્વે

બેંગલુરૂ તા. ૨૩ : અર્થશાસ્ત્રીઓના એક સર્વેમાં વર્ષ ૨૦૧૯ માટે વૈશ્વિક આર્થિક વૃદ્ઘિનું ચિત્ર સૌપ્રથમવાર નબળું જોવા મળ્યું છે અને વૈશ્વિક મંદીના ભણકારાનો સંકેત મળ્યો છે. અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર અને વ્યાજના દરો વધારવાને કારણે વિકટ બની રહેલી નાણાકીય સ્થિતિને કારણે નરમાઈ જોવા મળશે. આ જ અર્થશાસ્ત્રીઓએ વર્ષ ૨૦૧૮ની શરૂઆતમાં મજબૂત આર્થિક વૃદ્ઘિનો સર્વસંમત આશાવાદ વ્યકત કર્યો હતો.

રોઈટર્સે ૫૦૦થી વધુ અર્થશાસ્ત્રીઓનો આ મહિને જ સર્વે કર્યો હતો, જેમાં તેમણે ૪૪ પૈકી ૧૮ દેશોમાં આર્થિક વૃદ્ઘિદર ઘટશે તેવો મત દર્શાવ્યો હતો. ૨૩ દેશોમાં આર્થિક વૃદ્ઘિદર ગયા વર્ષ જેટલો જ રહેશે તેમ કહ્યું હતું. માત્ર ત્રણ જ દેશોનો વૃદ્ઘિદર વધશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.

રોઈટર્સના સર્વે મુજબ ૪૪ દેશો પૈકી ૭૦ ટકા દેશોમાં આર્થિક વૃદ્ઘિદર હાલ ટોચના સ્તરે પહોંચી ગયો છે. એચએસબીસીના ગ્લોબલ ચીફ ઈકોનોમિસ્ટ જેનેટ હેન્રીએ કહ્યું હતું કે 'હાલમાં વૈશ્વિક અર્થતંત્રમાં સરળ ડાયનેમિક ચાલી રહ્યું છેઃ અમેરિકામાં તેજી છે, બાકીના મોટાભાગના દેશોમાં નરમાઈ છે કે સ્થગિતતા આવી ગઈ છે. આ પરસ્પર વિરોધાભાસી ચિત્રને કારણે અનેક ઈમર્જિંગ માર્કેટ્સમાં પરિસ્થિતિ સારી નથી. અમેરિકન ફેડરલ રિઝર્વ અમેરિકન અર્થતંત્રમાં વધુ પડતો ઉન્માદ ન સર્જાય તે માટે વ્યાજના દર વધારી રહી છે, જેને કારણે અન્ય દેશો કે જયાં નાણાકીય સ્થિતિ કપરી છે અને વ્યાપાર અંગે ચિંતા વધી છે તેના પ્રયાસ નબળા કરી રહી છે.'

છેલ્લે અનેક શેરબજારોમાં મોટા કડાકા બોલી ગયા જેને કારણે આગામી સમયમાં વૃદ્ઘિદરની આશા વધારે ધુંધળી થઈ ગઈ. આ કડાકા ટ્રેડ વોરની ચિંતાને કારણે જોવા મળ્યા છે. ૧૫૦ જેટલા અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધવાથી અને સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજના દરો વધારવાને કારણે ૨૦૧૯ માટે આર્થિક વૃદ્ઘિદરનું ચિત્ર ધૂંધળું થયું છે. આ બે કારણોથી જ વૈશ્વિક બજારોમાં કડાકા બોલી ગયા છે.

કેપિટલ ઈકોનોમિકસના ગ્રુપ ચીફ ઈકોનોમિસ્ટ નીલ શીયરિંગે કહ્યું હતું કે 'પહેલી વાત એ કે ટ્રેડ વોરથી કોઈને ફાયદો થવાનો નથી. ઘણાં દેશોમાં તેનાથી ખર્ચ ન વધે તો પણ તેની અસર અનેક દેશો પર પડશે જ. આર્થિક વૃદ્ઘિ પર અસર પડશે.'

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ચીનની ૨૬૭ અબજ ડોલરની વસ્તુઓ પર ટેરિફ ઝીંકવાની ધમકી આપી છે અને અગાઉ તો ૨૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ટેરિફ લાગી કરી જ દીધા છે. મતલબ કે લગભગ તમામ આયાત પર ટેરિફ લાગુ થઈ જશે. ચીને પણ વળતા પગલાંની ધમકી આપી છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે ચીન અંગે અમેરિકાની નીતિ આગામી સમયમાં વધુ ઘર્ષણમય રહેશે.

અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે અમેરિકામાં જે ઝડપથી વ્યાજના દરો વધવા લાગ્યા છે તે જોતા આગામી વર્ષના અંતિમ મહિનાઓ સુધીમાં ત્યાં આર્થિક વૃદ્ઘિ ખાસ્સી ધીમી પડી જશે.

૨૦૧૮ની શરૂઆતમાં જે અર્થશાસ્ત્રીઓએ મજબૂત વૃધ્ધિનો આશાવાદ દર્શાવ્યો હતો તે ઓસરી ગયો ટ્રેડ વોર અને વધતા વ્યાજદર આર્થિક વૃધ્ધિમાં વિલન બનશે : અર્થશાસ્ત્રીઓ

(10:58 am IST)