મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

૨૦૧૯માં કોંગ્રેસ સત્તા પર આવશે એવું લખનારા કાર્યકર્તાનું મર્ડર

વ્યકિતની નહીં, લોકશાહીની હત્યા કરવામાં આવી છે તેવો મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવાણનો આરોપ

મુંબઇ તા.૨૩: સોશ્યલ મીડિયા પર લખેલી પોસ્ટના પગલે ઘાટકોપરના કોંગ્રેસના કાર્યકર્તા મનોજ દુબેની હત્યા કરવામાં આવી હતી. મેટ્રોના અસલ્ફા સ્ટેશન નજીક રવિવારે રાતે દોઢ વાગ્યે ૪૫ વર્ષના મનોજ દુબે પર તલવાર અને છરા વડે હુમલો કરવામાં આવ્યો હતો. મનોજ દુબેની હત્યા કરનારા બીજેપીના કાર્યકર્તાઓ હોવાનો આક્ષેપ મહારાષ્ટ્ર કોંગ્રેસના ચીફ અશોક ચવાણે કર્યો હતો.

હુમલાની જાણ થતાં દુબેને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એમ જણાવીને પોલીસે કહયું હતું કે 'તાજેતરમાં ફેસબુક પર લખાયેલી પોસ્ટ પરથી તેની હત્યા થઇ હોવાની શંકા વ્યકત કરાઇ છે. એમ કહેવાય છે કે  ૨૦૧૯માં કોંગ્રેસ સત્તા પર આવશે એવી પોસ્ટ તેણે કરી હતી અને આ મુદ્દે સોશ્યલ મીડિયા પર તેને બીજેપી અને બજરંગ દળના કેટલાક લોકો સાથે વિવાદ પણ થયો હતો. જોકે હજી સુધી સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. એની તપાસ કરવામાં આવી રહી છે.'

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવાણે ટ્વીટ કર્યું હતું કે 'બીજેપીના કાર્યકર્તાઓએ જ મનોજ દુબેની હત્યા કરી છે. આ એક કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા નથી, લોકશાહીની હત્યા છે.'

(10:44 am IST)