મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

સેન્સેક્સમાં ૧૦૨૧, નિફ્ટીમાં ૩૦૨ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજારમાં કડાકો : વૈશ્વિક બજારોમાં એકંદરે મંદીના વલણ વચ્ચે ત્રીજા દિવસે ઇક્વિટી સૂચકાંકો લગભગ ૨ ટકા જેટલા ઘટી ગયા

મુંબઈ, તા.૨૩ : સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ શેરબજાર માટે આપત્તિજનક સાબિત થયો. શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી અને તમામ બેન્ચમાર્ક સૂચકાંકો તૂટ્યા હતા. આજે સેન્સેક્સ ૧,૦૨૦.૮૦ પોઈન્ટ ઘટીને ૫૮,૦૯૮.૯૨ પર બંધ રહ્યો હતો.

નિફ્ટી ૩૦૨.૪૫ પોઈન્ટ ઘટીને ૧૭,૩૨૭.૩૫ પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં એકંદરે મંદીના વલણ વચ્ચે શુક્રવારે ત્રીજા દિવસે ઇક્વિટી સૂચકાંકો લગભગ ૨ ટકા ઘટ્યા હતા.

આજે સૌથી વધુ અસર વીજળી, રિયલ્ટી, બેંકો પર જોવા મળી હતી. કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, બેંકમાં ૨-૩ ટકાના ઘટાડા સાથે તમામ સેક્ટોરલ ઈન્ડાયસિસ લાલ નિશાનમાં બંધ થયા છે. આજે લગભગ ૯૫૯ શેર વધ્યા હતા, ૨૪૧૭ શેર ઘટ્યા હતા અને ૧૦૬ શેર યથાવત રહ્યા હતા. કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, બેંકમાં ૨-૩ ટકાના ઘટાડા સાથે તમામ સેક્ટોરલ ઈન્ડાયસિસ લાલ નિશાનમાં બંધ થયા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ૨ ટકા ઘટ્યા હતા.

પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈ નિફ્ટીમાં ટોપ લુઝર્સમાં હતા. જ્યારે ડિવિસ લેબોરેટરીઝ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, સિપ્લા અને આઈટીસી વધ્યા હતા. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી પાવર ગ્રીડ ૭.૯૩ ટકા ઘટ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, એચડીએફસી અને ઈન્ડસઈન્ડ બેંકને પણ નુકસાન થયું છે. સન ફાર્મા, ટાટા સ્ટીલ અને આઈટીસી વધ્યા હતા.

એશિયામાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગના બજારો નીચા બંધ રહ્યા હતા. મધ્ય-સત્રના સોદામાં યુરોપિયન શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો નકારાત્મક હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૮૭ ટકા ઘટીને ૮૮.૭૭ ડોલર પ્રતિ બેરલ થયું હતું.

શુક્રવારે રૃપિયો ૧૯ પૈસા ઘટીને ૮૦.૯૮ પર બંધ થયો હતો. વિદેશમાં મજબૂત યુએસ ચલણ અને રોકાણકારોમાં જોખમ-મુક્ત સેન્ટિમેન્ટના કારણે શુક્રવારે રૃપિયો ૧૯ પૈસા ઘટીને ૮૦.૯૮ની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૃપિયો પ્રથમ વખત ૮૧ની સપાટી વટાવી ગયો હતો અને અમેરિકી ચલણ સામે ઘટીને ૮૧.૨૩ થયો હતો. તે અગાઉના બંધ કરતાં ૧૯ પૈસા ઘટીને ૮૦.૯૮ પર બંધ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં અમેરિકી ડૉલરના મુકાબલે રૃપિયામાં ૧૨૪ પૈસાનો ઘટાડો થયો છે.

(7:23 pm IST)