મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

બશીરને અમેરિકાએ છોડી મૂક્‍યો : ભારત સહિત અનેક દેશો માટે ચિંતા વધી

અફઘાની ડ્રગ લોર્ડ અને તાલીબાની સમર્થક : તેણે અમેરિકી સરકાર માટે અન્‍ડરકવર એજન્‍ટ રૂપે કામ કરેલ : ડ્રગની તસ્‍કરી વધવાની શકયતા

નવી દિલ્‍હી,તા. ૨૩ : થોડા વર્ષો પહેલા, જયારે દુનિયાના કોઇ ખૂણે ડ્રગ્‍સ પકડાતા હતા, ત્‍યારે સૌથી પહેલું નામ અફઘાની ડ્રગ લોર્ડ હાજી બશીર નૂરઝઇનું જ આવતું હતું. આ એ વ્‍યક્‍તિ છે જેને મિડલ ઇસ્‍ટનો પાબ્‍લો એસ્‍કોબાર કહેવાતો હતો. બશીર ઘણા સમયથી અમેરિકાની જેલમાં બંધ હતો. ત્‍યાંની એક કોર્ટે તેને ઉંમર કેદની સજા સંભળાવી હતી. પણ હાલમાં જ તેને છોડી મૂકવાની ખબર આવી છે.

કહેવાઇ રહ્યું છે કે, અમેરિકાએ ગુપચુપ રીતે કુખ્‍ચાત ડ્રગ માફિયા હાજી બશીર નૂરઝઇને અફઘાનિસ્‍તાનની જેલમાં બંધ એક અમેરિકન નાગરિકને છોડવાના બદલે તેને આઝાદ કરવામાં આવ્‍યો છે. તેને છોડવાની વાત ભારત સહિત ઘણાં બધા દેશોની એજન્‍સીઓ માટે ચિંતાની વાત બની શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જેના આઝાદ થવાથી ડ્રગની તસ્‍કરી અને કારોબારમાં તેજી આવી શકે છે.

બશીર નૂરઝઇ એક અફઘાની ડ્રગ લોર્ડ છે. તે તાલિબાન આંદોલનનો સમર્થક હતો. બાદમાં તેણે અમેરિકન સરકાર માટે એક અંડરકવર એજન્‍ટના રૂપમાં કામ શરૂ કર્યું હતું. એ જ કારણ હતું કે, અમેરિકા તેને મોસ્‍ટ વોન્‍ટેડ ડ્રગ ડીલર હોવા છતાં તેની ધરપકડ નહોતું કરતું. અમેરિકન હેન્‍ડલરની સાથે તે એ શરત પર કામ કરતો હતો અને ત્‍યારે તે ડીબ્રીફિંગ માટે ન્‍યુયોર્ક શહેર આવવા માટે તૈયાર થયો હતો.

(3:23 pm IST)