મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર હુમલાઓનો સિલસિલો ચાલુ : નોકરાણી તરીકે કામ કરતી હિન્દૂ મહિલા ઉપર ચોરીનો ખોટો આરોપ મૂકી માર માર્યો : ડોક્ટરે સારવાર કરવાનો અને મેડિકલ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો : હુમલાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા : હુમલાખોરો અને તબીબ સામે કાર્યવાહી કરવા માંગ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર હુમલાઓનો સિલસિલો સતત ચાલુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ એક હિંદુ મહિલા પર ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેના નામે માર મારવામાં આવ્યો હતો.

પીડિત મહિલા મંડી વિસ્તારની રહેવાસી છે. તે એક નોકરાણી તરીકે કામ કરતી હતી મહિલાને ચોરીના ખોટા આરોપમાં માર મારવામાં આવ્યો છે. આ હુમલાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બહાવલપુરમાં જિલ્લા પોલીસ ઓફિસ અને ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમની માંગ છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર બંધ થવો જોઈએ.અને
હુમલાખોરો તથા તબીબ સામે સખ્ત પગલાં લેવા જોઈએ .

સ્થાનિકોનો દાવો છે કે હુમલા બાદ મહિલાને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેની સારવાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેણે મેડિકલ સર્ટિફિકેટ પણ આપ્યું ન હતું. રેલીને કેટલાક લઘુમતી નેતાઓ દ્વારા સંબોધિત કરવામાં આવી હતી અને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. આ સાથે હુમલાખોરો અને તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અપહરણ, હત્યા, બળાત્કાર અને લઘુમતીઓના બળજબરીથી ધર્માંતરણના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આ દયનીય સ્થિતિ ચિંતાનો વિષય બની છે. અહીં મહિલાઓ અને લઘુમતીઓ સામે હિંસાના કેસ વધી રહ્યા છે. દેશમાં અલ્પસંખ્યકો વિરૂદ્ધ કડક ઈશનિંદા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અંગત સ્વાર્થોને કારણે મુસ્લિમ સમાજના લોકો પણ તેના નિશાન બની રહ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:17 pm IST)