મુખ્ય સમાચાર
News of Thursday, 23rd September 2021

આવ ભાઇ હરખા...

નીતિશની જળયોજનામાં જેડીયુ નેતાના પરિવારને ૮૦ કરોડનો કોન્ટ્રાકટ

જળયોજનાના કોન્ટ્રાકટમાં ભાજપા, જેડીયુ, આરજેડી બધાના નેતાઓના સગા સામેલ છે

પટણા તા. ૨૩ : બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારની 'હર ઘર નલ કા જલ' યોજનાથી રાજકીય નેતાઓના અંગત લોકોને મોટો લાભ મળ્યો છે. આ વાતનો ખુલાસો 'ધ ઇન્ડિયન એકસપ્રેસ' એ પોતાના એક રિપોર્ટમાં કર્યો હતો. રિપોર્ટ અનુસાર નાયબ મુખ્યપ્રધાન અને ભાજપા નેતા તારકિશોર પ્રસાદની પુત્રવધૂ પૂજા કુમારી અને તેમના સાળાને ૫૩ કરોડના કોન્ટ્રાકટ મળ્યા છે.

ઇન્ડિયન એકસપ્રેસને જાણવા મળ્યું કે, સમસ્તીપુરથી મધુબની અને જમુઇથી શેખપુરા સુધીના ઓછામાં ઓછા ૨૦ જિલ્લાઓમાં આવા કોન્ટ્રાકટ અપાયા છે અને તેનો લાભ નેતાઓના અંગત માણસોને થઇ રહ્યો છે. તેમાં ભાજપા, જેડીયુ અને રાજદ એમ બધા પક્ષોના સીનીયર નેતાઓના સગાઓ સામેલ છે.

આ યાદીમાં સૌથી ઉપર જેડીયુના ભૂતપૂર્વ મહામંત્રી અનિલ સિંહનો પરિવાર છે જેને લગભગ ૮૦ કરોડ રૂપિયાના કોન્ટ્રાકટ મળ્યા છે. અનિલસિંહ અત્યારે પણ રાજ્યના રાજકારણમાં એક મુખ્ય નેતા છે અને જેડીયુના દરેક મુખ્ય કાર્યક્રમોમાં સામેલ હોય છે.

આ ઉપરાંત આ યાદીમાં ભાજપાના ધારાસભ્ય નારાયણ ઝાના ભત્રીજાઓ પણ છે. ૨૦૧૯-૨૦માં જ્યારે નારાયણ ઝા પબ્લીક હેલ્થ એન્જીનિયરીંગ વિભાગના પ્રધાન હતા ત્યારે તેમના ભત્રીજાઓને ૩.૫ કરોડના કોન્ટ્રાકટ અપાયા હતા. આ યોજનાનું મોટાભાગનું કામ આ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે.

(11:37 am IST)