મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

ભારત ખાતેના ફેસબુક હેડ અજિત મોહનને કમિટી સમક્ષ હાજર થવા અપાયેલ નોટિસ ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે : દિલ્હી સરકારની ' પિસ એન્ડ હાર્મની કમિટી ' એ હાજર થવા નોટિસ આપી હતી : દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં ફાટી નીકળેલા તોફાનો દરમિયાન લોકોને ઉશ્કેરવામાં નિમિત્ત બનવા બદલ કમિટી સમક્ષ હાજર થવાનું જણાવ્યું હતું : હાલની તકે કમિટીની મિટિંગ મુલતવી રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ : આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ

દિલ્હી : ફેબ્રુઆરી માસમાં દિલ્હીમાં ફાટી  નીકળેલા તોફાનો દરમિયાન લોકોને ઉશ્કેરવામાં નિમિત્ત બનવા બદલ ભારત ખાતેના ફેસબુક  હેડ અજિત મોહનને દિલ્હી સરકારે પિસ એન્ડ હાર્મની  કમિટી સમક્ષ હાજર થવા આપેલી નોટિસ  ઉપર સુપ્રીમ કોર્ટે કામચલાઉ રોક મૂકી છે.
પિટિશનના આધારે નામદાર કોર્ટની ખંડપીઠે આજરોજ આયોજિત કમિટી મિટિંગની તારીખ ફેરવવા જણાવ્યું છે.તથા આગામી સુનાવણી 15  ઓક્ટોબરના રોજ નક્કી કરાઈ છે.
દિલ્હીની AAP સરકારની કમિટીએ અજિત મોહનને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે જો તેઓ મિટિંગમાં હાજર નહીં રહે તો તે બાબત વિશેષાધિકારના ભંગ સમાન ગણાશે.
અજિત મોહનના એડવોકેટે સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન મુજબ કમિટીને આવી કોઈ સત્તા નથી.આ બાબત એસેમ્બલીની  હકુમતમાં આવે છે.તેમજ પાર્લામેન્ટ કમિટી સમક્ષ દિલ્હી તોફાનોની બાબત છે.જેની સમક્ષ અજિત મોહન હાજર થઇ ચુક્યા છે. તેથી દિલ્હી સરકારની  કમિટી આવી નોટિસ આપી શકે નહીં .તેમછતાં દિલ્હી સરકારે તોફાનોમાં ફેસબુકને ઉશ્કેરણી જનક નિવેદનો બદલ આરોપી ગણેલ છે.
જેના  જવાબમાં દિલ્હી સરકારના એડવોકેટે જણાવ્યું હતું કે અમે કોઈ ધમકી આપી નથી માત્ર સાક્ષી તરીકે કમિટી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.તથા સોશિઅલ મીડિયાના માધ્યમ દ્વારા સુરક્ષા અને સલામતીનો ભંગ નહીં થાય તેવી ખાતરી મેળવવા માટે કમિટી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.
બંને પક્ષોની દલીલો સાંભળી નામદાર કોર્ટએ દિલ્હી સરકારની કમિટીને મિટિંગની તારીખ ફેરવવા માટે સૂચના આપી સુનાવણી માટે 15 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)