મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

વાયદામાં સોના ચાંદીમાં જબરો કડાકો :MCX પર સોનું 50,000ની નીચે: ચાંદીમાં પણ તોતિંગ ઘટાડો

અમદાવાદમાં સોનામાં 10 ગ્રામે 750 રૂપિયા અને ચાંદીમાં દોઢ હજારનું ગાબડું

નવી દિલ્હીઃ બુલિયન બજારમાં ઘટાડા તરફી માહોલ જોવાઈ રહયો છે મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ (MCX) પર સોનાના વાયદાનો ભાવ 50,000ની નીચે ઉતરી ગયો છે. ડોલર મજબૂત રહેતા અને રસીની આશાએ ભારે વેચવાલીના લીધે સોનાના ભાવમાં કડાકો બોલ્યો હતો.

 એમસીએક્સ પર સોનાનો ભાવ 1.14 ટકા કે 572 રૂપિયા ઘટીને 49,809 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 3.70 ટકા ઘટીને 58,949 થયો હતો. જો કે હાજર બજારમાં 99.9 શુદ્ધતાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 50,222 પર ટ્રેડ થતો હતો અને ચાંદીનો ભાવ 58,217 રૂપિયા પર ટ્રેડ થતો તો, એમ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રેટ ચાર્ટમાં જણાવાયું હતું.

એન્જેલ બ્રોકિંગના કોમોડિટીઝ એન્ડ કરન્સી રિસર્ચ હેડના જણાવ્યા મુજબ જો વેપારીઓ સોનુ વેચે તો તેનો લક્ષ્યાંક 49,600નો રાખવો અને સ્ટોપ લોસ 50,500 રાખવો. તેઓ ચાંદીને 61,800એ વેચીને તેનો સ્ટોપ લોસ 59,500 રાખી શકે છે

 

અમદાવાદમાં પણ સોનું પ્રતિ દસ ગ્રામે 750 રૂપિયા જેટલુ ઘટ્યુ હતુ. 99.9 સોનાનો ભાવ 50,750–51,750 થયો હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 50,550-51,550 થયો હતો. હોલમાર્ક સોનાનો ભાવ 50,715 થયો હતો. ચાંદીમાં પણ કડાકો બોલ્યો હતો. ચાંદી ચોરસાનો ભાવ દોઢ હજાર રૂપિયા ઘટીને 57,000-58,500 થયો હતો અને ચાંદી રૂપુનો ભાવ પણ તેટલો ઘટીને 56,800થી 58,300 થયો હતો. ચાંદી સિક્કાનો ભાવ 575-775 હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં પ્રતિ ઔંસ 1,877ના ભાવે સોદા પડી રહ્યા છે. તેના માટે આગામી ટેકારૂપ સપાટી 1,857 અને પછી 1820 ડોલરની છે. આ સ્તરને સોનાની ખરીદવા માટે સારુ એન્ટ્રી પોઇન્ટ મનાય છે. સોનાએ બુધવારે 1,880 ડોલરની મહત્ત્વની ટેકારૂપ તોડી હતી. સોનાએ તાજેતરમાં ઘટાડો જારી રાખ્યો હોવા છતાં પણ હાલના સ્તરે તેણે વાર્ષિક ધોરણે હજી પણ 24 ટકાની વૃદ્ધિ દર્શાવી છે.

સોનાની સાથે ચાંદીએ પણ બુધવારે 23.50 ડોલરની મહત્વની ટેકારૂપ સપાટી તોડી હતી. તેમા પ્રતિ ઔંસ 23.34 ડોલરના ભાવે ટ્રેડિંગ થતુ હતુ. આમ છતાં પણ ચાંદીએ આજની તારીખે 35 ટકા સુધી વળતર આપ્યું છે.

સોના અને ચાંદીમાં ઘટાડો થવાની સાથે ઇક્વિટીમાં વધેલા વોલ્યુમે પણ તેના પર અસર કરી છે. ઓગસ્ટમાં સોનાના વાયદામાં 16,940.43 લોટનું વોલ્ટમ સપ્ટેમ્બરમાં ઘટીને 13,197.94 લોટ થયું છે

(8:33 pm IST)