મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ભારત-અમેરિકા ઇસ્લામિક આતંકવાદ સામે લડવા પ્રતિબદ્ધ છે

નરેન્દ્રભાઇએ ટ્રમ્પને ફૂલડે-ફૂલડે વધાવ્યાઃ સતત ૧૦ મિનિટ સુધી ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યાઃ ટ્રમ્પ પણ ખુશખુશાલ

હ્યુસ્ટન તા. ર૩: ભારતના વડા પ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે અમેરિકાના ટેકસાસ રાજયના હયુસ્ટનમાં આયોજીત ''હાઉડી મોદી'' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં બન્નેએ ત્યાં હાજર ભારતીય અમેરીકનોના સમુદાયને સંબોધન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ પોતાના વકતવ્યની શરૂઆત ટ્રમ્પના વખાણ સાથે કરતા કહ્યું કે, આપણી સાથે એક વિશિષ્ટ વ્યકિત હાજર છે જે કોઇ ઓળખાણની મહોતાજ નથી અને દુનિયાની દરેક વ્યકિત તેના વિષે જાણે છે. તેમણે ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં ભારતના સાચા મિત્ર ગણાવતા કહ્યું હતું કે હું તેમને ઘણીવાર મળ્યો છું. તેમનામાં મને આપણાપણું જોવા મળ્યું છે. તેમણે પોતાની વાતનું સમાપન કરીને ટ્રમ્પને સંબોધન માટે આમંત્રિત કર્યા હતા.

ટ્રમ્પે કાર્યક્રમમાં આવેલ ભારતીય મુળના અમેરીકન સમુદાયને ધન્યવાદ આપ્યા હતા અને ફરીથી સત્તા પર આવવા બદલ મોદીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણા બન્ને દેશોના બંધારણ ત્રણ શબ્દોથી શરૂ થાય છે, વી ધ પીપલ, જે દર્શાવે છે કે ભારત અને અમેરિકા કેટલા સમાન છે. તેમણે મોદીના વખાણ કરતા કહ્યું હતું કે તેમની યોજનાઓના કારણે ભારતમાં ૩૦ કરોડ લોકો ગરીબી રેખાની બહાર નીકળ્યા છે અને આગામી દાયકામાં ૧૪ કરોડ ભારતીય લોકો મધ્યમ વર્ગમાં સામેલ થઇ જશે. તેમણે સુરક્ષા સોદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારત સાથે સુરક્ષા સોદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારત સાથે સુરક્ષા સહયોગ વધ્યો છે અને ટુંક સમયમાં વધુ સુરક્ષા સોદાઓ થશે. નવેમ્બરમાં બન્ને દેશોની ત્રણે સેનાઓ (જળ, જમીન અને વાયુ) સાથે મળીને સંયુકત યુદ્ધાભ્યાસ કરશે. જેનું નામ ટ્રાઇગર ટ્રાયમ્ફ રાખવામાં આવ્યું છે. બન્ને દેશો કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે.

ત્યાર પછી ફરી એક વાર વકતવ્યનો દોર સંભાળતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત પહેલાની સરખામણીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે લોકો ઇચ્છે છે કે કંઇ ન બદલાય તેમને પડકાર આપી રહ્યું છે.તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે ભારત પોતાને ત્યાં જે કરી રહ્યું છે તેનાથી અમુક લોકોને તકલીફ થઇ રહી છે. તે લોકો પોતાના દેશને તો સાચવી નથી શકતાં. તેમણે ભારત સામેની નફરતને જ પોતાના રાજકારણનું કેન્દ્ર બનાવી દીધું છે. તે લોકો જ આતંકવાદનું પાલન પોષણ કરે છે તેમની ઓળખ તમે જ નહીં આખી દુનિયા જાણે છે.

તેમણે કહ્યું કે અમેરિકામાં ૯/૧૧ હોય કે મુંબઇમાં ર૬/૧૧, તેના ષડયંત્રકારીઓ કયાંથી મળે છે. હવે સમય આવી ગયો છે કે આતંકવાદને શરણ આપનારાઓ વિરૂધ્ધ નિર્ણાયક લડાઇ લડી લેવાય. આ લડાઇમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંપૂર્ણ મજબૂતી સાથે આતંકવાદ વિરૂધ્ધ ઉભા છે. ટ્રમ્પના આ મનોબળ માટે આપણે તેમને ઉભા થઇને માન આપવું જોઇએ.

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ભારત આવવાનું નિમંત્રણ આપતા કહ્યું કે અમને સ્વાગતની તક આપો જેથી આપણી મિત્રતા બન્ને દેશોના સહીયારા સ્વપ્નને પૂર્ણ કરવામાં યોગદાન આપી શકે. ભાષણ પછી વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક બીજાના હાથમાં હાથ રાખીને સ્ટેડીયમ ફરતે ચક્કર લગાવ્યું હતું અને લોકોનું અભિવાદન કર્યું હતું.

(3:59 pm IST)