મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

હવે તમારી દરેક હિલચાલ ઉપર રહેશે સરકારની નજર

ર૦ર૦ના પ્રારંભે શરૂ થઇ જશે નેશનલ ઇન્ટલીજન્સ ગ્રીડ : તમે કેટલીવાર વિદેશ ગયા, ખાતામાં કેટલી લેવડ-દેવડ કરી કેટલો ટેક્ષ ભર્યો, કેટલીવાર ટ્રેન-વિમાનમાં બેઠા વગેરે માહિતી સરકારને મળતી રહેશેઃ દેશની તમામ સુરક્ષા એજન્સીઓને પળે પળની માહિતી આપશે ગ્રીડ : ૩૪૦૦ કરોડનો પ્રોજેકટ પૂરો થવાના આરે

નવી દિલ્હી, તા. ર૩ : આવતા વર્ષથી આપણી દરેક ગતિવિધી પર સરકારની નજર રહેશે. એટલે કે તમે કેટલીવાર વિદેશ અવરજવર કરો છો, બેંક ખાતામાં કેટલીવાર લેવડ-દેવડ કરો છો, કેટલો ટેક્ષ જમા કરાવો છો, કેટલીવાર વિમાનમાં પ્રવાસ કરો છો, કેટલીવાર ટ્રેનમાં મુસાફરી કરો છો આ પ્રકારની તમામ સાથે સંકળાયેલી દરેક માહિતી સરકાર પાસે હશે. આ બધું નેશનલ ઇન્ટેલીજન્સ ગ્રીડ દ્વારા શકય બનશે. જે દેશના દરેક નાગરિકની માહિતી એકત્ર કરનાર એક મજબૂત ગુપ્તચર તંત્ર છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે જાન્યુઆરી ર૦ર૦માં તે ચાલુ થઇ જાય તેવી આશા છે.

અધિકારીઓએ જણાવ્યું કે ર૬ નવેમ્બર ર૦૦૮ના દિવસે મુંબઇના આતંકવાદી હુમલા પછી નેટગ્રીડની પરિકલ્પના કરવામાં આવી હતી તેનો ઉદ્ેશ કોઇ પણ સંદિગ્ધ આતંકવાદીને ભાળ મેળવીને યોગ્ય સમયે આતંકવાદી હુમલા રોકવાનો છે. ૩૪૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેકટની હાલમાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા સમીક્ષા કરાયા પછી તેના કામમાં ઝડપ આવી છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીઓ જણાવ્યું કે આવતા વર્ષની શરૂઆતમાં જ તે ચાલુ થઇ જાય તેવી શકયતા છે. નેટગ્રીડમાં દેશમાં અવરજવર કરનાર દરેક વ્યકિત, બેન્કીંગ અને નાણાકીય લેવડ-દેવડ, ક્રેડીટ કાર્ડ દ્વારા ખરીદી, ટેલીફોન ધારક, કરદાતા, હવાઇ જહાજ અને ટ્રેન દ્વારા મુસાફરી કરતા લોકોની સાથે સાથે બીજી ગુપ્ત માહિતીઓ અંગેના ડેટા એકત્ર કરાશે.

શરૂઆતમાં તેની સાથે ૧૦ યુઝર એજન્સીઓ અને ર૧ સેવા પ્રદાન કરતી એજન્સીઓને જોડવામાં આવશે. ધીમે ધીમે તેની સાથે એક સંગઠનોને પણ જોડી દેવાશે. શરૂઆતમાં ઇન્ટેલીજન્સ બ્યુરો, રો, સીબીઆઇ, ઇડી, ડીઆરઆઇ, એફઆઇયુ, સીબીડીટી, સીબીઇસી, નાર્ર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો જેવી એજન્સીઓને આની સાથે  જોડવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, શરૂઆતમાં કોઇ રાજયની એજન્સીની પહોંચ નેટગ્રીડના ડેટા સુધી નહીં હોય પણ જરૂર પડયે રાજયની એજન્સીઓ ઉપરોકત ૧૦ યુઝર એજન્સીઓની મદદથી નેટગ્રીડનો સંપર્ક કરી શકશે.

નેટગ્રીડનું ડાટા રિકવરી સેન્ટર બેંગ્લોરમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે જયારે તેનું હેડકવાર્ટર દિલ્હીમાં બની રહ્યું છે. બંન્ને જગ્યાએ નિર્માણ કાર્ય લગભગ પુરૂ થવાના આરે છે. તેમણે જણાવ્યું કે આવકવેરા ભિાગના લગભગ એક કરોડ કરદાતાઓનો ડેટા મેળવવાની પ્રક્રિયાને નેટગ્રીડ મેનેજમેન્ટે અંતિમરૂપ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક અને બધી એરલાઇન્સ સાથેની વાતચીત અંતિમ દોરમાં છે. અધિકારીએ કહ્યું કે આ પરિસ્થિતિમાં આ સીસ્ટમ્સ આવતા વર્ષથી ચાલુ થવાની શકયતા પૂરેપૂરી છે.

(11:56 am IST)