મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

બાંગલાદેશમાં યુવતી લગ્ન કરવા જાન લઈને યુવકના ઘરે ગઈ

પુરુષ અને મહિલાઓ વચ્ચે કરવામાં આવતા ભેદભાવનો અંત આણવા તેમ જ મહિલાઓને સમાન અધિકાર અપાવવાના પ્રયાસના ભાગરૂપ અમે આ રીતે લગ્ન કર્યા હતાઃ એમ દુલ્હાએ કહ્યું હતુ

નવી દિલ્હી, તા.૨૩:બાંગલાદેશમાં ૧૯ વર્ષની એક યુવતી લગ્ન કરવા જાન લઈને યુવકના ઘરે પહોંચી હતી અને ત્યાર બાદ યુવકને પોતાનાં ઘરે લઈ ગઈ હતી. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં આ રૂઢીચુસ્ત દેશમાં મહિલાઓનાં અધિકાર અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. યુવકને પોતાના ઘરે લઈ જતા અગાઉ ખાદીઝા અખ્તર ખુશી શનિવારે સેંકડો મહેમાનો સાથે મહેરપુરના પશ્ચિમ ગ્રામીણ વિસ્તાર સ્થિત યુવક તારીક ઉલ ઈસ્લામના નિવાસસ્થાને પહોંચી હતી. આમ કરીને યુવતીએ લગ્નની પરંપરાને ઉલટાવી હતી.

ખુશીએ કહ્યું હતું કે હા, આ અસામાન્ય બાબત છે, પરંતુ મેં એમ કર્યું જેથી કરીને અન્ય મહિલાઓ મને અનુસરી શકે. ૨૭ વર્ષના ઈસ્લામે કહ્યું હતું કે અમારા આ કૃત્યનો પરિવારજનો અને મિત્રોએ કોઈ વિરોધ નહોતો કર્યો કે નહોતી ટીકા કરી.

પુરુષ અને મહિલાઓ વચ્ચે કરવામાં આવતા ભેદભાવનો અંત આણવા તેમ જ મહિલાઓને સમાન અધિકાર અપાવવાના પ્રયાસના ભાગરૂપ અમે આ રીતે લગ્ન કર્યા હતા, દુલ્હાએ ઈસ્લામે કહ્યું હતું.

મને વિશ્વાસ છે કે અમારા લગ્ન લોકોને એ સંદેશો પહોંચાડશે કે મહિલાઓ પણ પુરુષ કરે તે બધું જ કરી શકે છે, એમ તેણે કહ્યું હતું.

તેમના લગ્નનો વીડિયો ઓનલાઈન વાઈરલ થયો હતો જેને પગલે બાંગલાદેશમાં મહિલાઓનાં અધિકાર અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ૧૬.૮ કરોડની વસતી ધરાવતા મુસ્લિમ બહુમતીવાળા આ દેશમાં (જયાં રૂઢીચુસ્ત મૂલ્યો હજુ પણ મજબૂત રહ્યા છે) આ લગ્નએ મથાળાં બાંધ્યા હતા.

(10:50 am IST)