મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

'નમો થાળી' માં શ્રીખંડ, રસમલાઇ, હલવો, કચોરી, ખીચડી, ખાંડવી, થેપલા

હ્યુસ્ટન, તા.૨૩: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમેરિકામાં સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભાના ૭૪મા સત્રમાં હાજરી આપવા અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા છે અને તેઓ જે હોટેલમાં રહે છે ત્યાં હ્યુસ્ટનનાં એક રસોયણ કિરણ વર્માએ બે પ્રકારની ખાસ થાળી તૈયાર કરી છે. એક, 'નમો થાળી મીઠાઇ'અને બીજી 'સાદી નમો થાળી'.

તેમણે જણાવ્યું હતું કે મોદીએ પોતાના માટે કોઇ ખાસ વાનગી બનાવવાનો આગ્રહ નથી કર્યો અને ભોજન શાકાહારી હોય તેમ જ દેશી વ્યંજનોથી ભરપૂર હોય એનું અમે ધ્યાન રાખ્યું છે. અમે ભારતના વિવિધ રાજયની લોકપ્રિય વાનગીઓને આ થાળીમાં સમાવવા પ્રયાસ કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદી માટેનું ભોજન દેશી ધીમાં જ બનાવાશે. 'નમો થાળી મીઠાઇ'માં શ્રીખંડ, રસમલાઇ, ગાજરનો હલવો, બદામનો હલવો, ગુલાબજાંબુ વગેરે છે, જયારે બીજી સાદી થાળીમાં ખીચડી, મેથીના થેપલા, આમલીની ચટણી, ખાંડવી, દાળ, સમોસા, ફૂદીનાની ચટણી, કચોરી વગેરે રખાયા છે.

તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે મોદી આ થાળી જમે તે પછી અમારી રેસ્ટોરાંની સૌથી લોકપ્રિય થાળીઓ બની જશે.

ભારતીય મૂળનાં કિરણ વર્મા અહીં ભારતીય વાનગીઓ પીરસતી રેસ્ટોરાં ચલાવે છે.

વડા પ્રધાન ૨૭મી સપ્ટેમ્બર સુધી અમેરિકામાં રહેવાના છે અને આ દરમિયાન, વિવિધ ઉદ્યોગપતિ, નેતા અને ભારતીય સમુદાયના લોકોની સાથે બેઠક યોજશે.(૨૩.૩)

(10:47 am IST)