મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

હ્યુસ્ટનના મેયરે પીએમ મોદીને કેમ સોંપી શહેરની ચાવી?

હ્યૂસ્ટન, તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રવિવાર રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ હ્યૂસ્ટન સ્થિત NRG સ્ટેડિયમ પહોંચ્યા. ત્યાં તેઓ Howdy Modi કાર્યક્રમ હેઠળ લોકોને સંબોધિત કર્યા. અહીં જયારે વડાપ્રધાન મોદી પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

અહીં હ્યૂસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે પીએમ મોદીને શહેરની ચાવી સોંપી. આ દરમિયાન અમેરિકન પ્રતિનિધિ ટર્નરે કહ્યું કે, ભારત અમેરિકા મુખ્ય રક્ષા ભાગીદાર તરીકે સાથે છે. અમેરિકા ભારતને એક ભરોસાપાત્ર મિત્ર તરીકે જુએ છે.

તેઓએ કહ્યું કે, અમેરિકામાં રહેતાં ભારતીયોના કારણે બંને દેશોના સબંધો વધુ સારા થઈ ગયા છે. ભારતના લોકોએ અમેરિકામાં મોટું યોગદાન આપ્યું છે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.

શહેરની ચાવી સન્માન તરીકે ગણમાન્ય લોકોને ભેટ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ 'હાઉડી મોદી' ટેકસાસના મોટા શહેર હ્યૂસ્ટનમાં યોજાયો. અહીં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે.

હ્યૂસ્ટન ઉપરાંત ડલાસ પણ ટેકસાસનું મોટું શહેર છે. જયાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. Howdy Modi કાર્યક્રમ માટે અંદાજિત ૫૦ હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ અમેરિકામાં પ્રભાવશાળી ભારતીયોનું સૌથી મોટો મેળાવડો છે.

(10:47 am IST)