મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

ચિન્મયાનંદની વધી મુશ્કેલી: અખિલ ભારતીય અખાડા પરિષદે સંત સમુદાયમાંથી હાંકી કાઢ્યા

ચિન્મયાનંદે કુકર્મોને સ્વીકાર્યા છે અને સંત સમુદાય માટે તે શરમજનક

નવી દિલ્હી : જાતિય સતામણીના મામલામાં જેલમાં મોકલવામાં આવેલા ચિન્મયાનંદની મુશ્કેલી  વધતી દેખાઇ રહી છે. હવે સંતોના સર્વોચ્ચ નિર્ણય લેનાર સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદે  ચિન્મયાનંદને સંત સમુદાયથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.

એબીએપીના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ  પરિષદની બેઠક બાદ કહ્યું કે ચિન્મયાનંદને સંત સમુદાયથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. એમણે કહ્યું કે, 'અખિલ ભારતીય અખાડા પરિષદની ઔપચારિક બેઠક 10 ઓક્ટોબરે હરિદ્વારમાં થશે અને આ નિર્ણયને મહાગઠબંધનની મંજૂરી મળી જશે'. મહંત નરેન્દ્ર ગિરિએ આગળ જણાવ્યું કે, ચિન્મયાનંદે પોતાના કુકર્મોને સ્વીકાર્યા છે અને સંત સમુદાય માટે તે શરમજનક છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  ચિન્મયાનંદ વર્તમાનમાં મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર છે. સંત સમાજથી બહાર થવાની સાથે જ 73 વર્ષીય ચિન્મયાનંદ હવે પોતાનું આ પદ પણ ગુમાવશે. જો તે સંત સમુદાયથી બહાર થઇ જાય છે તો પોતાના નામ આગળ 'સંત' અથવા 'સ્વામી' નહી લગાવી શકે.

(12:00 am IST)