મુખ્ય સમાચાર
News of Friday, 23rd July 2021

તામીલનાડુઃ લોકોના ૬૦૦ કરોડ લઈ ઉડી ગયા 'હેલિકોપ્ટર બંધુ'

પૈસા બમણા કરવાના નામ પર લોકો પાસેથી નાણા ઉઘરાવ્યા હતાઃ બન્ને ભાઈઓ હેલિકોપ્ટર બ્રધર્સના નામે ઓળખાતા હતા : તામીલનાડુના કુંભકોણમમાં બન્ને ભાઈઓ વિરૂદ્ધ લાગ્યા પોસ્ટરઃ કાર્યવાહીની માંગ

ચેન્નાઈ, તા. ૨૩ :. ભાજપ ટ્રેડર્સ વીંગના નેતા રહી ચૂકેલા મરિયુર રામદાસ ગણેશ અને તેના ભાઈ મરિયુર રામદાસ સ્વામીનાથન પર ૬૦૦ કરોડની છેતરપીંડીનો આરોપ લાગ્યો છે. તામીલનાડુના કુંભકોણમમાં બન્ને 'હેલિકોપ્ટર્સ બ્રધર્સ'ના પોસ્ટર ઠેર ઠેર લાગ્યા છે. લોકોએ આ બન્ને ભાઈઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસે કેસ નોંધ્યો છે.

તિરૂવરૂરના મૂળ નિવાસી હેલિકોપ્ટર બ્રધર્સ ૬ વર્ષ પહેલા કુંભકોણમમાં રહેવા આવ્યા હતા અને ડેરીનો વ્યવસાય ચલાવતા હતા. બન્ને ભાઈઓએ વિકટ્રી ફાયનાન્સ નામની એક પેઢી શરૂ કરી હતી અને ૨૦૧૯મા અર્જુન એવીયેશન પ્રા. લી. નામની એક વિમાન કંપની પણ ખોલી હતી. આ બન્નેએ લોકોને પૈસા બમણા કરવાના નામ પર લલચાવ્યા હતા. પરંતુ કોવિડમાં તેઓની હાલત ખરાબ થઈ ગઈ અને લોકોએ પૈસા માંગ્યા તો પરત ન કર્યા. એક દંપતિએ ૧૫ કરોડ રૂ. જમા કરાવ્યા હતા. જે તેઓને મળ્યા નથી.

એક રોકાણકારનુ કહેવુ છે કે મેં મારી પુત્રીના ઘરેણા ગીરવે રાખ્યા અને ૧૦ લાખ મળ્યા અને મિત્રો પાસેથી ૪૦ લાખ ઉધાર લીધા અને એક વર્ષની યોજનામાં ભાઈઓને ૫૦ લાખ આપ્યા. હવે વ્યાજ સાથે મેં મૂળ રકમ પણ ગુમાવી છે. બન્ને ભાઈઓ હાલ ફરાર છે.

બન્નેએ લોકોને ૬૦૦ કરોડનો ચૂનો લગાવ્યો છે. બન્નેને શોધવા ગામમાં પોસ્ટર પણ લાગ્યા છે. લોકોએ કડક પગલા લેવાની માગણી કરી છે.

પોલીસે કહ્યુ છે કે બન્ને ભાઈઓ ૧૨ મહિનામાં પૈસા બમણા કરવાનુ વચન આપી લોકો સાથે ઠગાઈ કરી છે.

(3:16 pm IST)