મુખ્ય સમાચાર
News of Friday, 23rd July 2021

અફઘાનિસ્તાન : તાલીબાનોનું રાક્ષસી કૃત્ય : ૧૦૦ નાગરિકોની હત્યા કરી : ઘરોમાં લૂંટફાટ

ઘરો ઉપર પોતાના ઝંડા ફરકાવ્યા : હજુ પણ જમીન ઉપર પડી છે લાશો

નવી દિલ્હી તા. ૨૩ : અફઘાનિસ્તાનના કંધાર રાજ્યના સ્પીન બોલ્ડક જિલ્લામાં કથિત રીતે ૧૦૦ લોકોની નિર્મમ હત્યા કરાઇ હતી. અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયે આ હત્યાઓ માટે તાલિબાનને જવાબદાર ઠેરવ્યા હતા. આ પહેલા સમાચાર આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે, તાલિબાનોએ અફઘાનિસ્તાનના ૯૦ ટકા સરહદી વિસ્તારો પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. ગયા સપ્તાહે તાલિબાનોએ સ્પીન બોલ્ડર જિલ્લા પર પણ હુમલો કર્યો હતો. ૧૦૦ લોકોના દર્દનાક મોતથી આખુ અફઘાનિસ્તાન દુઃખમાં છે. એવું જણાવાયું છે કે ૧૦૦ લોકોની લાશો હજુ પણ જમીન પર જ પડેલી છે. તાલિબાને કબ્જો કર્યા પછી નાગરિકોના ઘરોને લૂંટી લીધા, ત્યાં પોતાના ઝંડા ફરકાવ્યા અને માસુમોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે તાલિબાને આ મોતની જવાબદારી નથી સ્વીકારી. તેણે નાગરિકોની હત્યામાં પોતાનો હાથ હોવાની વાતને રદિયો આપ્યો છે.

આંતરિક મંત્રાલયના પ્રવકતા મીરવાઇસ સ્ટેનકજઇએ કહ્યું કે પોતાના પંજાબી આકાઓ (પાકિસ્તાન)ના આદેશ પર આ ક્રુર આતંકવાદીઓ એ સ્પીન બોલ્ડકના કેટલાક વિસ્તારોમાં નિર્દોષ અફઘાનોના ઘરો પર હુમલા કર્યા, ઘર લૂંટી લીધા અને ૧૦૦ નિર્દોષ લોકોને શહીદ કર્યા હતા.

ગયા અઠવાડીયે તાલિબાને સ્પીન બોલ્ડક પર કબ્જો કરી લીધો હતો. ફ્રાંસ ૨૪ દ્વારા જાહેર કરાયેલ વીડિયો ફૂટેજમાં તાલિબાનના કેટલાક સભ્યોને શહેરમાં તોડફોડ કરતા, ઘરો લૂંટતા અને સરકારી અધિકારીઓના વાહનો જપ્ત કરતા દેખાડાયા હતા. કંધારની પ્રાંતીય પરિષદના એક સભ્યએ જણાવ્યું કે, અજ્ઞાત બંદુકધારીઓએ ઇદના એક દિવસ પહેલા તેના બે પુત્રોને ઘરમાંથી બહાર કાઢીને તેમની હત્યા કરી હતી. અફઘાન સુરક્ષા એજન્સીઓ અનુસાર સ્પીન બોલ્ડકમાં કેટલાય નાગરિકોના શબ હજુ પણ જમીન પર પડયા છે.

(10:44 am IST)