મુખ્ય સમાચાર
News of Monday, 23rd July 2018

ક્રુર મજાક...મોદી સરકારે કર્યા ટેક્ષ ફ્રી પણ માત્ર ૫ પૈસા સસ્તા થશે સેનેટરી પેડ

દેશમાં ૪૫૦૦ કરોડનું છે પેડનું બજારઃ ૮૦ ટકા મહિલાઓ નથી પહેરતી પેડ

નવી દિલ્હી, તા. ૨૩ :. જીએસટી કાઉન્સીલે શનિવારે સેનેટરી પેડને કરમુકત કરવાનો નિર્ણય લીધો પણ મળતા અહેવાલ મુજબ આનાથી જાણીતી બ્રાન્ડના ભાવમાં કોઈ ફેર નહિ પડે. આ પહેલા તેના પર સરકારે ૧૨ ટકાનો ટેક્ષ લગાડયો હતો. મહિલા સંગઠનોએ તે ઘટાડવા આંદોલન પણ કર્યા હતા. જેનાથી તેઓને જીત મળ્યાનો આભાસ થયો પણ પેડ ઉત્પાદકોનું માનવું છે કે ગ્રાહકોને સેનેટરી પેડથી ટેક્ષ દૂર થવાનો મોટો લાભ નહિ મળે.

ગ્રાહક જ્યારે ૧૦ પેડનું પેક ખરીદશે તો તેના માત્ર ૫ પૈસા બચશે તેમ સરલ કંપનીના સુહાની મોહનનું કહેવુ છે. ઉત્પાદકોને કાચા માલ પર જીએસટી ચુકવવો પડી રહ્યો છે.

દેશમાં સેનેટરી પેડનો વેપાર ૪૫૦૦ કરોડનો છે. આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે ૮૦ ટકા મહિલાઓ પેડનો ઉપયોગ નથી કરતી... પણ જે રીતે પેડ ઉપરથી જીએસટી દૂર થયો છે તેનાથી બહુરાષ્ટ્રીય કંપનીઓ સક્રિય બની ગઈ છે. દેશી કંપનીઓની માંગ છે કે કાચા માલ પરનો ટેક્ષ ઘટવો જોઈએ.(૨-૧૯)

 

(3:51 pm IST)