મુખ્ય સમાચાર
News of Monday, 23rd July 2018

ચાર વર્ષમાં લગભગ આખી દુનિયા ફરી ચૂકયા છે મોદી

૫૪ દેશોની મુલાકાત : ૧૪૮૪ કરોડનો ખર્ચ

નવી દિલ્હી તા. ૨૩ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આફ્રિકા પ્રવાસ માટે નીકળશે. અહીં તે આફ્રિકાના દેશો રવાંડા અને યૂગાંડાની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદીએ પાછલા ચાર વર્ષમાં મુલાકાત લીધેલા ૫૪ દેશોના લિસ્ટમાં વધુ બે દેશોનું નામ ઉમેરાઈ જશે. વડાપ્રધાને પાછલા ચાર વર્ષમાં લગભગ આખી દુનિયાનો પ્રવાસ કરી લીધો છે, તેમ કહીએ તો ખોટું નથી. ચાર વર્ષમાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર કુલ ૧૪૮૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. બીજી બાજુ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વિદેશ પ્રવાસ પર ૯ વર્ષમાં ૬૪૨ કરોડ રુપિયા ખર્ચ થયો હતો. વડાપ્રધાન મોદી પોતાના અત્યાર સુધીના કાર્યકાળમાં કુલ ૧૭૧ દિવસ વિદેશ પ્રવાસમાં રહ્યા છે. આ રીતે જોવા જઈએ તો તેમણે ૧૨ ટકા સમય વિદેશ પ્રવાસમાં પસાર કર્યો છે.

જો વડાપ્રધાન મોદીના સૌથી મોંઘા વિદેશ પ્રવાસની વાત કરીએ તો એપ્રિલ, ૨૦૧૫માં તેમણે કરેલી ફ્રાન્સ, જર્મની અને કેનેડાની યાત્રા સૌથી મોંઘી હતી. માત્ર ચાર્ટર્ડ ફલાઈટ અને હોટલાઈનની સુવિધા પર ૩૨ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સૌથી વધારે અમેરિકાની મુલાકાત લીધી છે. જુલાઈથી નવેમ્બર સુધીનો સમય તેમના માટે સૌથી વધારે વ્યસ્ત હોય છે કારણકે આ સમયે BRICS અને ઈસ્ટ એશિયા સમિટ થાય છે. વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ માટે ૫ વાર ઈન્ડિયન એરફોર્સ એરક્રાફટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.(૨૧.૨૯)

 

(3:43 pm IST)