મુખ્ય સમાચાર
News of Monday, 23rd July 2018

જેલમાં બંધ નવાઝ શરીફની કિડની ફેલ થવાની તૈયારીમાં : હોસ્પિટલમાં ખસેડવાની ભલામણ

શરીફના લોહીમાં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણ ખતરનાક સ્તર પર

રાવલપિંડી તા. ૨૩ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની કિડની કામ કરવાનું બંધ કરવાની કગાર પર છે. મેડિકલ બોર્ડે તેમને જેલમાંથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની ભલામણ કરી છે. શરીફ હાલ રાવલપિંડીની અડિયાલા જેલમાં સજા ભોગવી રહ્યા છે.

ધ એકસપ્રેસ ટ્રિબ્યૂનને સૂત્રાના હવાલેથી મળેલા સમાચાર પ્રમાણે શરીફના લોહીમાં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણે ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે, તેના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા છે. એટલું જ નહીં તે ડિહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા છે, તેમજ તેમના શરીરમાથી સતત પરસેવો નીકળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલમાં સ્થિત હોસ્પિટલમાં શરીફની સારવાર કરવાની પૂરતી વ્યવસ્થા નથી. આથી તેમને બહારની હોસ્પિટલમાં ખસેડવાની જરૂરીયાત ઉભી થઈ છે. જો આવું નહીં કરવામાં આવે તે ગમે ત્યારે ઇમરજન્સી ઉભી થઈ શકે છે.

આ બાબતે પાકિસ્તાનની કામચલાઉ સરકાર બહુ ઝડપથી કોઈ નિર્ણય લઈ શકે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેડિકલ બોર્ડે રવિવારે જેલની અંદર તેમની તબિયતની તપાસ કરી હતી. બાદમાં તેણે તેમના સ્વાસ્થ્ય અંગેનો રિપોર્ટ આપ્યો હતો.(૨૧.૧૩)

(11:56 am IST)