મુખ્ય સમાચાર
News of Monday, 23rd July 2018

BJP-RSS પાસેથી કંઈક શીખોઃ રાહુલે કાર્યકરોને આપી સલાહ

કોંગ્રેસની કારોબારીમાં ભાજપ-સંઘની કાર્યપ્રણાલીની વાત જણાવી પ્રમુખેઃ યુ-ટયુબમાં પ્રવચન મુકાયું અને તરત જ હટાવી લેવાયું: સમાપન પ્રવચનમાં રાહુલે કોંગ્રેસમાં કાર્યકરોની ઉપેક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યોઃ ભાજપની સરકાર બને છે તો કાર્યકરોને 'ઈન્સેન્ટીવ' આપે છે પણ કોંગ્રેસના કાર્યકરોનો પોતાની સરકાર ભાવ પણ નથી પૂછતીઃ ઉપેક્ષાની મળે છે ફરીયાદો

નવી દિલ્હી, તા. ૨૩ :. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને ભાજપા અને આરએસએસ પાસેથી શીખવાની સલાહ આપી છે. રવિવારે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક દરમ્યાન આ બયાન આપ્યું હતું. ઉપરાંત રાહુલે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપાને હરાવવા માટે રણનીતિ બનાવવા ઉપર ભાર દીધો હતો.

તેમણે કહ્યું કે બધા વિપક્ષો મળીને લોકસભા ચૂંટણીમાં ભાજપાને હરાવશે પણ એ દરમ્યાન કોંગ્રેસ પ્રમુખે પોતાના ભાષણમાં ભાજપા અને આરએસએસની કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરી પાર્ટીના નેતાઓને તેમાંતી શીખવાની સલાહ પણ આપી.

સીડબલ્યુસીની બેઠકમાં રાહુલે આપેલા લગભગ ૧૭ મીનીટના ભાષણને પાર્ટીએ યુ-ટયુબ પર અપલોડ કર્યુ હતું પણ થોડીક મીનીટોમાં જ તે હટાવી દેવાયું હતું, ત્યાર પછી સવાલો ઉઠી રહ્યા છે કે, પાર્ટીએ રાહુલનું ભાષણ યુ-ટયુબમાંથી કેમ હટાવવું પડયું ? રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એવું તે શું કહ્યું કે વિડીયો યુ-ટયુબમાંથી હટાવવો પડયો.

સુત્રો અનુસાર રાહુલે કોંગ્રેસ વર્કીંગ કમિટિની બેઠકમાં આવેલા ૨૦૦થી વધારે નેતાઓને કહ્યું કે આપણે મુશ્કેલ મોરચે કામ કરવાથી ભાગીએ છીએ. રાહુલે આદિવાસી સમાજનું ઉદાહરણ આપતા કહ્યું કે એક દાયકા પહેલા આ સમાજ કોંગ્રેસી મતદાર હતો પણ ભાજપા અને આરએસએસના લોકો તેમની વચ્ચે ગયા, તેમની સાથે કામ કર્યુ, તેમને સમજાવ્યા અને આજે તેઓ ભાજપાને મત આપે છે.

ખરેખર તો આ ઉદાહરણ દ્વારા રાહુલનો ઉદ્દેશ ભાજપા અને આરએસએસ દ્વારા કરાઈ રહેલી કઠોર મહેનત બાબત હતો અને કોંગ્રેસી નેતાઓને બતાવવાનો હતો કે તેઓ પણ આવી કઠોર મહેનત કરવામાં અચકાય નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસના માણસો ખાલી આદિવાસીઓની વચ્ચે જઈને ઉભા રહે તો પણ આ સમાજ ફરીથી કોંગ્રેસ તરફ પાછો ફરી શકે તેમ છે.

પક્ષના બીજા એક સૂત્રે જણાવ્યુ કે સમાપન વકતવ્યમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં કાર્યકર્તાઓની ઉપેક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપાની જ્યારે સરકાર બને છે ત્યારે તે પોતાના કાર્યકર્તાઓને ઈન્સેન્ટીવ આપે છે જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓને સરકારમાં કોઈ પુછતુ નથી, એટલે (રાહુલ ગાંધી) જ્યાં પણ જાય છે ત્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમને ઉપેક્ષાની ફરીયાદ કરે છે. સીડબલ્યુસીની બેઠકમાં આ બીજો પોઈન્ટ હતો કે જેમાં રાહુલે ભાજપા અને સંઘનું ઉદાહરણ આપીને કોંગ્રેસ નેતાઓને સલાહ આપી હતી.

રાહુલ ગાંધીએ રાફેલ વિમાનનો પોઈન્ટ ઉઠાવીને અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન થયેલી ચર્ચાનો ફરીથી ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી સાથે આંખ નહોતા મેળવી શકતા. આ ઉપરાંત રાહુલે ગઠબંધન બાબતે વિસ્તારપૂર્વક વાત કરીને કહ્યુ કે જો બિહાર, યુપી, મહારાષ્ટ્ર અને તમીલનાડુમાં યોગ્ય રીતે ગઠબંધન તઈ જાય તો ભાજપાને આરામથી રોકી શકાશે.

તેમણે નેતાઓને ભાષણબાજીમાં ધ્યાન રાખવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી. તેમણે કહ્યુ કે કોંગ્રેસમાં વાણી સ્વાતંત્ર્ય છે પણ પક્ષ હમણા એક મુશ્કેલીવાળી લડાઈ લડી રહ્યો છે. આ લડાઈને જો કોઈ બનળી પાડવાની કોશિષ કરશે તો તેને માફ નહી કરાય. માનવામાં આવે છે કે તેમનો આ ઈશારો શશી થરૂર તરફ હતો.

જો કે વીડીયો હટાવવા બાબતે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, આંતરીક બેઠકો ખાસ કરીને સીડબલ્યુસી  બેઠકના ભાષણો ને જાહેર નથી કરાતા એટલે ભૂલથી અપલોડ થયા પછી તાત્કાલિક તેને હટાવી દેવાયું હતું. એક બીજા સૂત્રએ એમ પણ કહ્યું કે કેટલીક ટેકનિકલ ક્ષતિને લીધે વિડીયો ઓફલાઈન થઈ ગયો છે. સોમવારે તેને ફરીથી શેર કરી દેવાશે, પણ સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધીની સલાહનો અમલ કરશે.(૨-૧)

(10:30 am IST)