મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

૪૫ ધારાસભ્‍યો બાદ ૧૭ સાંસદો પણ શિંદેના સંપર્કમાં

આખી શિવસેના ઉપર શિંદેની પકડ હવે ઉધ્‍ધવ ઠાકરેએ પદ છોડવું જ પડશેઃ બેઠકમાં માત્ર ૧૨ ધારાસભ્‍યો જ હાજર રહ્યા : ઉધ્‍ધવ મહાસંકટમાં: શિવસેનાના બે ફાડિયા થવાનું નક્કી

મુંબઇ, તા.૨૩: મહારાષ્‍ટ્રનો રાજકીય પારો ફરી એકવાર ઊંચકાયો છે. અહીં શિવસેનામાં ભાગલા પડ્‍યા બાદથી રાજકીય હલચલ વધી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ખુરશી અને પક્ષ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમના પ્રયાસો સફળ થતા જણાતા નથી. રિપોર્ટ અનુસાર, ઉદ્ધવ ઠાકરેની અપીલ બાદ પણ પાર્ટીના વધુ ૭ ધારાસભ્‍યો બળવો કરીને ગુવાહાટીમાં એકનાથ શિંદે પાસે પહોંચ્‍યા છે. હવે શિંદે દાવો કરે છે કે તેમની પાસે પાર્ટીના ૪૫ ધારાસભ્‍યો છે, જ્‍યારે કુલ ૪૬ ધારાસભ્‍યો તેમની સાથે છે. આ સિવાય પાર્ટીના ૧૭ સાંસદો પણ તેમની સાથે જઈ શકે છે.
બુધવારે રાત્રે શિવસેનાના ૭ વધુ  ધારાસભ્‍યો ગુવાહાટીની રેડિસન બ્‍લુ હોટેલમાં ગયા હતા અને શિંદે જૂથમાં જોડાયા હતા. તે જ સમયે, એવી ચર્ચા છે કે બે અપક્ષ ધારાસભ્‍યો પણ તેમની સાથે ગુવાહાટી પહોંચ્‍યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સાત ધારાસભ્‍યો મહારાષ્‍ટ્ર બીજેપી અધ્‍યક્ષ ચંદ્રકાંત પાટીલ સાથે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્‍યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ જેવા નામ સામેલ છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈના ત્રણ ધારાસભ્‍યો પણ બળવો કરીને શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે. ગુરુવારે શિંદેએ દાવો કર્યો હતો કે શિવસેનાના ૪૫ ધારાસભ્‍યો તેમની સાથે છે. તેમણે પોતાની સાથે ૪૬ ધારાસભ્‍યો હોવાની વાત કરી છે. ધારાસભ્‍ય કોણ છે તેની માહિતી હજુ મળી નથી. બીજી તરફ એવા સમાચાર છે કે શિવસેનાના ૧૭ સાંસદો પણ એકનાથ શિંદે સાથે આવી શકે છે. વસીમ સાંસદ ભાવના ગાવિત, પાલઘરના સાંસદ રાજેન્‍દ્ર ગાવિત, થાણેના સાંસદ રાજન વિચારે, કલ્‍યાણના સાંસદ શ્રીકાંત શિંદે અને રામટેકના સાંસદ કળપાલ તુમાનેએ એકનાથ શિંદેને સમર્થન આપ્‍યું છે. સાંસદ રાજન વિચારે ૩ દિવસથી ગુવાહાટીમાં હાજર છે. માનવામાં આવે છે કે આ આંકડો ૧૭ સાંસદો સુધી જઈ શકે છે. જણાવી દઈએ કે બુધવારે શિંદે જૂથે મહારાષ્‍ટ્રના રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીને ૩૪ ધારાસભ્‍યોના હસ્‍તાક્ષર સાથે પત્ર મોકલ્‍યો હતો. જેમાં લખ્‍યું હતું કે એકનાથ શિંદે શિવસેના ધારાસભ્‍ય દળના નેતા છે.

 

(3:16 pm IST)