મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

શ્રીલંકાની કટોકટીથી ભારતીય ચા ઉદ્યોગને ફાયદો

શ્રીલંકા સૌથી મોટુ નિકાસકાર હતુ : હવે અનેક દેશોની નજર ભારત ભણી

કોલકત્તા તા. ૨૩ : દેશમાં ઓર્થોડોક્‍સ ટી (પરંપરાગત રીતે ઉત્‍પાદિત ચા)ના ભારતીય ઉત્‍પાદકો માટે આ સીઝન બહુ વ્‍યસ્‍ત છે. આનું કારણ એ છે કે દુનિયામાં ઓર્થોડોકસ ચા નો સૌથી મોટો સપ્‍લાયર દેશ આર્થિક સંકટમાં છે જેના લીધે ભારત માટે એક તક ઉભી થઇ છે. શ્રીલંકાની ઓર્થોડોકસ ચાના વિદેશી ગ્રાહકો તરફથી આજકાલ ભારતીય બગીચાના માલિકો અને નિકાસકારોને સતત મેસેજ મળી રહ્યા છે અને ચા ના હરાજી કેન્‍દ્રો પર ભાવોમાં પણ આ ઉત્‍સાહ દેખાઇ રહ્યો છે.

શ્રીલંકાના ચા નિકાસકાર સંઘની વેબસાઇટ પર ઉપલબ્‍ધ આંકડા દર્શાવે છે કે આ દેશમાં જાન્‍યુઆરી-એપ્રિલ ૨૦૨૨ દરમિયાન કુલ ઉત્‍પાદન ૧.૮૩ કરોડ કિલો ઓછું હતું. આ સમયગાળા દરમિયાન નિકાસમાં ૪૨.૪ લાખ કીલોનો ઘટાડો થયો હતો. જો કે ઇક્રાના ઉપપ્રમુખ કૌશિકદાસનું કહેવું છે કે શ્રીલંકાના ૨૮.૬ કરોડ કિલોની કુલ નિકાસ સામે નિકાસમાં આ ઘટાડો બહુ મોટો ના કહેવાય પણ ચા ની અછત થઇ શકે છે. ઓર્થોડોકસ ચા તૈયાર અને નિકાસ કરનાર ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક, એમકે શાહ એકસપોર્ટસનું કહેવું છે કે નવી નવી જગ્‍યાઓએથી લોકો પૂછપરછ કરી રહ્યા છે. એમકે શાહ એક્‍સપોર્ટસના અધ્‍યક્ષ હિમાંશુ શાહે કહ્યું ‘ઇરાન, તુર્કી અને રશીયા જેવા મોટા આયાતકારો ભારતીય ઓર્થોડોકસ ચામાં રસ દાખવી રહ્યા છે. કેટલાક લોકો કોલકત્તા અને આસામના ચા ના બગીચાઓની પણ મુલાકાત લઇ રહ્યા છે.'

માંગ વધવાની અસર ભાવોમાં પણ દેખાઇ રહી છે. કોલકત્તાની પાછલી બે હરાજી દરમિયાન ઓર્થોડોકસ ચા ની સરેરાશ કિંમત ૩૬૭.૧૬ રૂપિયા પ્રતિ કિલો અને ૩૭૩.૪૯ રૂપિયા પ્રતિ કિલો હતી જે ગયા વર્ષની સરખામણીમાં ક્રમશઃ ૪૧ ટકા અને ૩૫.૫ ટકા વધારે છે.

ચાલુ નાણાકીય વર્ષની મધ્‍યમાં ઓર્થોડોકસ ચા ૩૩૬ રૂપિયા પ્રતિકિલોના ઉચ્‍ચસ્‍તરે હતી. અમલગમેટેડ પ્‍લાન્‍ટેશન્‍સ પ્રાઇવેટ લીમીટેડ (એપીપીએલ)ના એમડી વિક્રમસિંહ ગુલીયા એ કહ્યું કે જે રીતે ઓર્થોડોકસ ચા ની બોલી બોલાઇ રહી છે તે એક મજબૂત માંગ દર્શાવે છે. એ સ્‍પષ્‍ટ છે કે, શ્રીલંકાના સપ્‍લાયમાં થયેલા ફેરફારના કારણે ભારતીય ચા માટે તક વધી રહી છે.

(12:07 pm IST)