મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

શોપિયામાં એક આતંકી ઠાર : અથડામણ ચાલુ : ગત રાત્રે ઇન્સ્પકેટરની કરી હતી હત્યા

(સુરેશ ડુગ્ગર દ્વારા ) જમ્મુ :સુરક્ષા બળોએ શોપિયાંમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. અન્ય  સાથે અથડામણ ચાલુ છે.મોડી રાત્રે પણ પોલીસ ઇન્સ્પેક્ટરને આતંકીઓએ ઠાર માર્યો હતો. શોપિયન જિલ્લાના શિરમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. આ એન્કાઉન્ટરમાં પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે મોરચે છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો હતો.

 જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આ મામલે ટવીટ કરીને કહ્યું હતું કે સુરક્ષા દળો અને પોલીસ બંને પોતાનું કાર્ય પાર પાડવામાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 નોંધનીય છે કે, મંગળવારે પરમિપોરા પોલીસ સ્ટેશનમાં તૈનાત સીઆઈડી ઇન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડાર નૌગામની કનિપોરા મસ્જિદની બહાર નમાઝ પઢ્યા બાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમની ઉપર ફાયરિંગ કરી તેને ઈજા પહોંચાડી હતી. આ હુમલા બાદ આતંકીઓ નાસી ગયા હતા. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ દારને ઝડપી લીધો હતો અને હાજર પોલીસની મદદથી તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

(7:49 pm IST)