મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

સાંસદ નવનીત કોર રાણાનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની રોક : રાણાએ પોતાને મોચી જ્ઞાતિના ગણાવ્યા હતા : મોચી અને ચમાર બંને એક જ જ્ઞાતિ ગણાતી હોવાથી અનામતનો લાભ લીધો હોવાની દલીલ માન્ય

ન્યુદિલ્હી : બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે સાંસદ નવનીત કોર રાણાનું જાતિ પ્રમાણપત્ર રદ કરતો ચુકાદો આપ્યો હતો. જેની વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટના  દ્વાર ખખડાવતા નામદાર કોર્ટે નાગપુર હાઇકોર્ટના ચુકાદા ઉપર રોક લગાવી છે.

સાંસદ નવનીત કોર રાણા અનુસૂચિત જાતિ માટેની અમરાવતી વિસ્તારની અનામત બેઠક ઉપરથી 2019 ની સાલમાં ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા.તેમણે પોતાને મોચી જ્ઞાતિના ગણાવ્યા હતા.જે અનુસૂચિત જાતિમાં આવે છે.

રાણાના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે મોચી અને ચમાર બંને એક જ જ્ઞાતિ ગણાય છે.તેથી બંધારણ મુજબ ચમાર જ્ઞાતિને મળતી અનામત મોચી જ્ઞાતિને પણ લાગુ પડે છે. જે બાબતને ધ્યાને લઇ નામદાર કોર્ટે  સ્ટે આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નાગપુર હાઇકોર્ટે રાણાનું અનામત રદ કરવા ઉપરાંત 2 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:11 pm IST)